કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશમાં ‘શત્રુ સંપત્તિ’ વેચવાની તૈયારી શરૂ કરી દીધી છે. શત્રુ સંપત્તિ એટલે એવી સ્થાવર કે જંગમ મિલકતો જેના માલિક આઝાદી પછી કે એ બાદમાં થયેલા યુદ્ધ દરમિયાન દેશ છોડીને જતા રહ્યા હતા. ગુજરાતમાં આવી 78 સંપત્તિ આવી છે. ગુજરાતમાં મોટાભાગની મિલકતો પાકિસ્તાન ગયેલા લોકોની છે.દેશના અન્ય રાજ્યોમાં કુલ 12611 અચલ સંપત્તિઓની ઓળખ થઇ છે. જેમાંથી 12485 સંપત્તિ પાકિસ્તાનમાં ગયેલા લોકોની છે. જ્યારે 126 સંપત્તિ ચીનની નાગરિકતા મેળવેલા લોકોની છે.
પ્રથમ તબક્કામાં સરકારે જંગમ મિલકતો- સોનું, અન્ય દાગીના, શેરમાં રોકાણ વગેરેનું વેચાણ કર્યું હતું. જેનાથી સરકારને અંદાજીત 3400 કરોડ રૂપિયાની આવક થઇ હતી.હવે સ્થાવર મિલકતો વેચવાની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના ચાર જિલ્લા- અમદાવાદ,રાજકોટ, કચ્છ, જૂનાગઢમાં શત્રુ સંપત્તિની કિંમત નક્કી કરાશે અને બાદમાં તેની હરાજી કરવામાં આવશે. નોંધનીય છે કે દેશના ભાગલા વખતે અનેક લોકો તેમની સંપત્તિ અહીં મૂકીને પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.
પાક.થી આવેલા શરણાર્થીઓ માટે સંપત્તિનો ઉપયોગ થઇ શકે
એનિમી પ્રોપર્ટી કસ્ટોડિયન ઓફ ઈન્ડિયાના વેસ્ટર્ન ઝોનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રોપર્ટીનો ઉપયોગ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના વસવાટ માટે થઈ શકે છે. જો શત્રુ સંપત્તિની કિંમત 1 કરોડ રૂપિયાથી ઓછી હશે તો હાલમાં સંપત્તિ પર કબજો ધરાવતા લોકોને મિલકત ખરીદવા રજૂઆત કરાશે પરંતુ તેઓ તૈયાર ના થાય મિલકતની હરાજી કરવામાં આવશે. 1 કરોડથી 100 કરોડ વચ્ચેની સંપત્તિની ઇ-હરાજી કરવામાં આવશે. આ માટે છેલ્લાં ઘણાં સમયથી લોકો વિવિધ સંપત્તિ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.