સાબરમતી રિવરફ્રન્ટના 49 પ્લોટનું વેચાણ કરી તેમાંથી નાણાં ઊભાં કરવા તેમજ વધુ અસરકારક મનોરંજન સ્થળ તરીકે રિવરફ્રન્ટને વિકસાવવા રાજ્ય સરકાર અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોપોરેશને દુબઇ અને અબુધાબીમાં રોડ-શો કર્યો હતો. આખરે દુબઈના સૌથી મોટા ગણાતા 3 ડેવલપર ગ્રૂપે રિવરફ્રન્ટ પરના પ્લોટમાં રસ દાખવ્યો છે. આગામી દિવસોમાં આ ડેવલપર ગ્રૂપના પ્રતિનિધિઓ રિવરફ્રન્ટની મુલાકાત લેશે. રિવરફ્રન્ટ પર મુંબઈ-બેંગ્લુરુ જેવા થીમ પાર્ક બનાવાશે.
રાજ્ય સરકારના મુખ્ય સચિવ અશ્વિની કુમાર, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન કેશવ વર્મા, મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન, આઇ. કે. પટેલ અને સુશાન ભટ્ટે દુબઇ અને અબુધાબીમાં 10 ડેવલપર સાથે મિટિંગ કરી હતી. જેમાં રિવરફ્રન્ટના પ્લોટના વેચાણ માટેની ક્વાયત કરાઈ હતી. મોટા ડેવલપર હોવાને કારણે તેમને 7 થી 8 જેટલા પ્લોટ બતાવવામાં આવ્યા હતા. જ્યારે તે સિવાયના 40 જેટલા નાના પ્લોટ પણ બતાવાયા હતા. 7 મિનિટના વીડિયોમાં તમામ પાસા આવરી લેવાયા હતા.
દુબઈના 3 ગ્રૂપ મોલ, સ્કાયલાઈન અને હોટેલ બનાવવા માટે જાણીતા છે
શોભા ગ્રૂપ : દુબઈ – અબુધાબીમાં મિક્સ હાઇરાઇઝ બનાવે છે. જેમાં હોટેલ, ઓફિસો, રેસિડેન્સનો એક જ બિલ્ડિંગમાં સમાવેશ થાય છે. તેઓ રિવરફ્રન્ટ પર આ પ્રકારનો પ્રોજેક્ટ લાવી શકે છે. આ ગ્રૂપના ડાયરેક્ટર મૂળ ભારતીય છે.
લૂલૂ ગ્રૂપ : દુબઇ-અબુધાબીમાં મોટા મોલ, મોટા માર્કેટ પ્લેસ બનાવવામાં કુશળ છે. તેઓ રિવરફ્રન્ટ પર આ પ્રકારે મોલ બનાવે તેવી શક્યતા છે. આ ગ્રૂપના ડાયરેક્ટર પણ મૂળ ભારતીય છે.
એમ્માર ગ્રૂપ : મૂળ દુબઇનું આ ગ્રૂપ રિયલ એસ્ટેટ તેમજ અન્ય બિઝનેસ ડેવલપમેન્ટની સાથે સાથે ત્યાંના રાજાના બિઝનેસ સાથે સંકળાયેલું છે. આ ગ્રૂપ મોટી મોટી હોટેલ અને મોલ બનાવવામાં માહેર છે.
ઈમેજીકાની જેમ રિવરફ્રન્ટ પર 200 કરોડના ખર્ચે થીમ પાર્ક બનાવાશે
રિવરફ્રન્ટમાં થીમ પાર્ક ઉભું કરવા માટે આગામી ટૂંક સમયમાં ટેન્ડર બહાર પડાશે. મુંબઇના ઇમેજિકા થીમ પાર્ક, બેંગ્લુરુના વન્ડર લેન્ડ અને ફન વર્લ્ડ જેવા થીમ પાર્ક બનાવવામાં આવશે. આ ગ્રૂપ રિવરફ્રન્ટ પર જગ્યા ખરીદવાને બદલે જગ્યા ભાડે લઈને 200 કરોડથી વધારેના ખર્ચે થીમપાર્ક ઊભું કરે તેવી શક્યતા છે.