દિલ્હી સરકાર હવે અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ (દિલ્હી સેવા કાયદા)ને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આને લઈને દિલ્હી સરકારે નવા NCTD (સુધારા) અધિનિયમ, 2023ને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ કાયદો સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યો છે. આ બિલને પાસ કરવા માટે 131 સાંસદોએ તેની તરફેણમાં જ્યારે 102 લોકોએ તેની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો. આ પછી રાષ્ટ્રપતિ દ્વારા સંમતિ આપવામાં આવી હતી.
કેન્દ્રએ ચાર અઠવાડિયામાં નોટિસનો જવાબ આપવો પડશે
હવે સુપ્રીમ કોર્ટ નવા સેવા કાયદાની તપાસ કરશે. દિલ્હી સરકારની અરજી પર કેન્દ્રને નોટિસ મોકલીને ચાર સપ્તાહમાં જવાબ માંગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની વટહુકમ અરજીમાં સુધારો કરીને કાયદાને પડકારતી અરજીને મંજૂરી આપી હતી.
દિલ્હી સરકારે અગાઉ 19 મેના વટહુકમને પડકાર્યો હતો
કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજી પર કહ્યું કે તેમને કોઈ વાંધો નથી. ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે અગાઉ 19 મેના વટહુકમને પડકાર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. દરમિયાન, કેન્દ્રએ બિલને સંસદમાં રજૂ કર્યું હતું અને તેને ઓગસ્ટમાં બંને ગૃહોમાંથી પસાર કર્યું હતું. આ પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 12 ઓગસ્ટે તેના પર હસ્તાક્ષર કર્યા અને તે કાયદો બની ગયો. INDIA ગઠબંધન રાજધાની દિલ્હીમાં સેવાઓ નિયંત્રણ કાયદાનો સખત વિરોધ કર્યો. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે આ માત્ર દિલ્હીના લોકોને ગુલામ બનાવવાનો પ્રયાસ છે. હવે દિલ્હી સરકારે અરજી દાખલ કરીને સુધારા કાયદાને પડકાર્યો છે.