ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ ચંદ્ર પરથી સાઈન્ટિફિક ડેટા એકત્ર કરીને ધરતી પર મોકલી રહ્યા છે. 14 દિવસના મિશનો લગભગ અડધો હિસ્સો પૂરો થઈ ચૂક્યો છે. તમામના મનમાં આ સવાલ જરૂર હશે કે, 14 દિવસ બાદ પણ વિક્રમ અને પ્રજ્ઞાન કામ કરતા રહેશે. ચંદ્રયાન-3 મિશનનો હિસ્સો રહેલા એમ. શ્રીકાંતે તેનો જવાબ આપ્યો છે. તેમણે આ વાતની સંભાવના વ્યક્ત કરી છે કે, 14 દિવસની રાત બાદ જ્યારે ચંદ્ર પર ફરી સૂરજ નીકળશે ત્યારે ચંદ્રયાન-3 ફરી કામ કરી શકે છે.
ચંદ્ર પર 23 ઓગષ્ટના રોજ સૂરજ નીકળ્યો હતો અને 14 દિવસ સુધી ત્યાં સૂરજની રોશની રહેશે. ત્યાં સુધી પ્રજ્ઞાન અને વિક્રમ પણ કામ કરતા રહેશે. પરંતુ જેવો સૂર્યાસ્ત થશે અને રાત્રિની શરૂઆત થતાં જ બંને ઈનએક્ટિવ થઈ જશે. જોકે, 14 દિવસોની રાત્રિ બાદ જ્યારે ફરીથી સૂરજ નીકળશે તો કદાચ બની શકે કે, પ્રજ્ઞાન અને વિક્રમ ફરીથી પોતાનું કામ શરૂ કરી શકે છે.
શું ખરેખર 14 દિવસ બાદ પણ ચંદ્રયાન-3 કામ કરતું રહેશે?
શ્રીકાંતે કહ્યું કે, અમારી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે, એક લૂનાર દિવસ (પૃથ્વીના 14 દિવસ) જ્યારે ત્યાં સૂરજની રોશની રહે છે ત્યાં સુધીમાં અમે જેટલું બની શકે એટલો વધુ સાઈન્ટિફિક ડેટા એકત્ર કરી લઈએ. હજુ સાત દિવસ રોવર અને લેન્ડર ચંદ્ર પર કામ કરશે અને સૂર્યાસ્ત બાદ તેઓ કામ કરવાનું બંધ કરી દેશે. અમને વિશ્વાસ છે કે, જ્યારે ત્યાં રાત્રિ પૂર્ણ થશે અને સૂરજની રોશની પડશે તો આ બંને ફરીથી એક્ટિવ થશે અને જો આવું થશે તો તે અમારા માટે ખૂબ જ સારું છે કે, અમે વધુ માહિતી એકત્ર કરી શકીશું. પરંતુ આવું ન થશે તો પણ અમારું મિશન પુરુ થઈ જશે.
આ કારણોસર રાત્રિ દરમિયાન કામ નથી કરી શકતા રોવર અને લેન્ડર
શ્રીકાંતે આગળ જણાવ્યું કે, વિક્રમ અને પ્રજ્ઞાનને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે, જ્યારે તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય તો જ તે કામ કરી શકે છે. તે સોલર એનર્જીથી કામ કરે છે એટલે કે, તેમને સૂરજની રોશનીની જરૂર પડે છે. જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે ચંદ્ર પર તાપમાન 203 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચુ ચાલ્યુ જાય છે. આ તાપમાનમાં વિક્રમ અને પ્રજ્ઞાન કામ નથી કરી શકતા. આવી સ્થિતિમાં જ્યારે ચંદ્ર પર 14 દિવસ રાત રહેશે ત્યારે આ બંને કામ નહીં કરી શકશે. ચંદ્ર પર એક રાત પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. આવી જ રીતે દિવસ પણ 14 દિવસ બરાબર હોય છે. એટલા માટે બંનેને મિલાવીને ચંદ્રનો એક દિવસ પૃથ્વીના 29 દિવસ બરાબર હોય છે. શ્રીકાંતે કહ્યું કે, તેની સંભાવના છે કે, જ્યારે સૂરજની રોશની પડશે તો રોવર અને લેન્ડર ફરીથી એક્ટિવ થઈ જશે કારણ કે, ચંદ્રયાનની લોન્ચિંગ પહેલા કરવામાં આવેલા પરિક્ષણોમાં આવું થયુ છે.