હિંડેનબર્ગ બાદ હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) નામની એક ગ્લોબલ સંસ્થાએ ગૌતમ અદાણીના ગ્રૂપ પર ગોટાળા કરવાનો મોટો આરોપ મૂક્યો છે. OCCRPના રિપોર્ટ અનુસાર પ્રમોટર પરિવારના બિઝનેસ પાર્ટનર્સે મોરેશિયસ સ્થિત ‘બેનામી’ રોકાણ ફંડોના માધ્યમથી અદાણી ગ્રૂપના શેરોમાં કરોડો ડૉલરનું રોકાણ કર્યું હતું.
OCCRPએ બે કેસ પકડ્યાં
OCCRPએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે તેની તપાસમાં ઓછામાં ઓછા બે કેસ પકડાયા હતા જ્યાં અનામી રોકાણકારોએ ઓફશ્યોર સ્ટ્રક્ચરના માધ્યમથી અદાણી ગ્રૂપના સ્ટોકને ખરીદયા અને વેચ્યા હતા. ઉલ્લેખનીય છે કે OCCRPને અબજપતિ જ્યોર્જ સોરોસ અને રૉકફેલર બ્રધર્સ ફંડ જેવી સંસ્થાઓ દ્વારા ફન્ડિંગ મળે છે. જ્યોર્જ સોરોસ એ જ અબજપતિ છે જે સમયાંતરે કેન્દ્રની મોદી સરકારની ટીકા કરતા રહે છે.
મામલો શું છે?
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રૂપના કેટલાક મહત્ત્વના પબ્લિક ઈન્વેસ્ટરો જેઓ ખાસ કરીને તો અદાણીના ઈનસાઈડર જ છે તેઓ અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમના પર ઈન્ડિયન સિક્યોરિટીઝ લૉનું ઉલ્લંઘન કરવાના આરોપો છે. જોકે અત્યાર સુધી કોઈ તપાસકાર એજન્સીઓ તેમની ઓળખ કરી શકી નથી. જોકે હવે OCCRPએ એવા કેટલાક દસ્તાવેજોની મદદથી તેના પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમાં ઘણાં ટેક્સ હેવન, બેન્ક રેકોર્ડ અને અદાણી ગ્રૂપના ઈન્ટરનલ ઈમેલની મદદ પણ લેવાઈ છે.
દસ્તાવેજોમાં શું છે?
OCCRPના અહેવાલ અનુસાર અદાણી ગ્રૂપના બિઝનેસનો નોલેજ ધરાવતા લોકોએ કહ્યું હતું કે એવા અનેક પુરાવા છે કે અદાણી ગ્રૂપના જે શેરોમાં જાહેર જનતા દ્વારા રોકાણ કરવામાં આવતું હતું તેમાં મોરેશિયસમાં સંચાલિત ઓપેક ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા કરોડો ડૉલરનું સીધું રોકાણ કરવામાં આવ્યું હતું. બે કેસમાં તો અદાણી સ્ટોક ધરાવતા પ્રતિનિધિઓનું રોકાણ 430 મિલિયન ડૉલરને આંબી ગયું હતું. આ રહસ્યમય રોકાણકારોના અદાણી ગ્રૂપ સાથે સંબંધોનો ખુલાસો થયો છે. તેમાં નાસ્સેર અલી શાહબાન આહલી તથા ચાંગ ચુંગ લિંગનું નામ સામે આવ્યું છે. આ બંને લોકો અદાણી ગ્રૂપના લાંબ સમય સુધી શેરહોલ્ડર, ડિરેક્ટર્સ રહ્યા છે અને અદાણી પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો પણ રહ્યા છે. જેમાં વિનોદ અદાણીનું નામ સામેલ છે.
75 ટકા શેર ખરીદી લેવાયાનો દાવો
દસ્તાવેજોમાં જાણ થઈ કે મોરેશિયસના ફંડે ઓફશોર સ્ટ્રક્ચરના માધ્યમથી અદાણીના સ્ટોકમાં વર્ષ દરમિયાન ખરીદ-વેચાણ કર્યું હતું. તેમાં ઘણો નફો કર્યો હતો. આ સાથે જ ઈન્વેસ્ટમેન્ટ બદલ મેનેજમેન્ટ કંપનીના ઈન્ચાર્જે વિનોદ અદાણીને ચૂકવણી પણ કરી હતી. ભારતીય શેરમાર્કેટના નિષ્ણાત અને પારદર્શકતાના હિમાયતી વ્યક્તિનું કહેવું છે કે જ્યારે કંપની દ્વારા પોતાના જ 75 ટકા શેર ખરીદી લેવામાં આવે તો તે ફક્ત ગેરકાયદે જ નથી હોતું પરંતુ તેને શેરની કિંમતોમાં કરાયેલું મેન્યુપ્યુલેશન એટલે કે ગેરરીતિ પણ કહેવાય છે. આ કૃત્રિમ રીતે શેરોના ભાવમાં હેર ફેર ગણાય.
SEBI તપાસમાં મૂંઝવાઈ હતી?
હિંડેનબર્ગના આરોપોની તપાસ મામલે SEBIએ તપાસ હાથ ધરી હતી. તેણે આશંકા હતી કે અદાણી ગ્રૂપમાં તમામ સાચા પબ્લિક શેરહોલ્ડર્સ નથી અને તેમાં પ્રમોટર્સની ભૂમિકા સામે આવી રહી હતી. 2020માં આ મામલે પણ તપાસ થઇ હતી જેમાં 13 વિદેશી ફર્મને આવરી લેવાઈ હતી જે અદાણીના સ્ટૉકમાં હિસ્સો ધરાવતી હતી. પરંતુ SEBI આ મામલે કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી ના શકી. તે જાણી જ ના શકી કે આ પૈસા પાછળ કોનો હાથ હતો.
OCCRPના અહેવાલમાં આ વિગતો મળી
OCCRPના અહેવાલ અનુસાર જે દસ્તાવેજો મળ્યા છે તેમાં જાણ થઈ કે ઈમરજિંગ ઈન્ડિયા ફોકસ ફંડ (EIFF) અને ઈએમ રિસર્જન્ટ ફંડ (EMRF) કેટલાક ધનિક રોકાણકારો તરફથી ઓપરેટ કરવામાં આવી રહ્યા હતા. આ બંને ફંડ્સમાં બે મોટા વિદેશી રોકાણકારોએ પૈસા રોક્યા હતા. જેમાં તાઈવાનના ચાંગ અને સંયુક્ત અરબ અમીરાત (UAE) ના અહલીનો સમાવેશ થતો હતો. આ બે ફંડની મદદથી જ અદાણીની ચાર કંપનીઓમાં 2013થી 2018 વચ્ચે શેરોની ખરીદ-વેચાણની પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. એક સમયે 2017માં અદાણી ગ્રૂપના સ્ટોકમાં ઈન્વેસ્ટમેન્ટની વેલ્યૂ 430 મિલિયન ડૉલરને આંબી ગઈ હતી.
શું આ આરોપો પર યોગ્ય તપાસ થશે?
આ રિપોર્ટ બાદ સોશ્યલ મીડિયામાં નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે કે શું અદાણી પર લાગેલા આ આરોપોની સ્વતંત્ર રીતે તપાસ થશે કે પછી આ મામલો દબાઈ જશે.
Will India’s SEBI & the Enforcement Directorate take cognisance of these investigative reports and investigate the fresh allegations? Or will there be an attempted cover-up, which is likely to fail? And will this new information come up before the Supreme Court of India, which is…
— N. Ram (@nramind) August 31, 2023
અદાણી ગ્રૂપે આરોપો ફગાવ્યાં
બીજી બાજુ અદાણી ગ્રૂપ વતી કહેવામાં આવ્યું છે કે હિંડેનબર્ગના રિપોર્ટમાં પણ મોરેશિયસના ફંડનો ઉલ્લેખ કરાયો હતો. આરોપ ફક્ત પાયાવિહોણાં જ નહીં પણ ટકી શકે તેવા પણ નથી.
ચાંગ અને અહલીએ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો
અહલી અને ચાંગને જ્યારે આ મામલ સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. ચાંગે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અદાણી સ્ટોકમાં ગુપ્ત ખરીદી વિશે તેને કોઈ જાણકારી નથી. તેણે પત્રકારને એટલું કહ્યું હતું કે શા માટે અન્ય રોકાણોમાં રસ દાખવવામાં આવી રહ્યો નથી. અમે એક સામાન્ય બિઝનેસ સાથે જોડાયેલા છીએ. વિનોદ અદાણીએ પણ આ મામલે કોઇ ટિપ્પણી નહોતી કરી. અદાણી ગ્રૂપ દ્વારા તેમની ભુમિકાને સતત નકારવામાં આવતી રહી છે. જોકે માર્ચમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ પ્રમોટર ગ્રૂપના સભ્ય હતા. એટલે કે તેનો અર્થ એ થયો કે તેઓ કંપનીની બાબતો પર નિયંત્રણ ધરાવતા હતા અને અદાણી ગ્રૂપની દરેક કંપની આ વાતથી વાકેફ હતી.
જાન્યુઆરીમાં હિંડેનબર્ગે મૂક્યા હતા મોટા આરોપ
જાન્યુઆરી મહિનામાં અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડેનબર્ગે પણ આવા જ આરોપો મૂક્યા હતા. હિંડેનબર્ગે કહ્યું હતું કે અદાણી ગ્રૂપે શેલ કંપનીઓના માધ્યમથી શેરોમાં ગરબડ કરી છે. આ ઉપરાંત ઓડિટ અને લોન સહિત અનેક અન્ય મુદ્દાઓ પર સમૂહને ઘેર્યો હતો. અદાણી ગ્રૂપે હિંડેનબર્ગના દાવાઓને ભ્રામક અને પુરાવા વગરના ગણાવ્યા હતા અને કહ્યું કે અમે હંમેશા કાયદાનું પાલન કર્યું છે.
Finally, the loop is closed.
The Financial Times and OCCRP report that offshore funds owning at least 13% of the free float in multiple Adani stocks were secretly controlled by associates of Vinod Adani, masking the relationship with 2 sets of books. https://t.co/L4clFVpA2K pic.twitter.com/ofWf6KQK5h
— Hindenburg Research (@HindenburgRes) August 30, 2023
મોરેશિયસની સરકારે આરોપો ફગાવ્યા હતા
હિંડેનબર્ગ રિપોર્ટમાં મોરેશિયસનો ઉલ્લેખ કરાયો હતો. રિપોર્ટમાં આરોપ મૂકાયો હતો કે મોરેશિયસમાં આવેલી શેલ કંપનીઓની મદદથી અદાણી ગ્રૂપે તેના શેરોમાં હેરફેર કરી હતી. જોકે મોરેશિયસના નાણા સેવામંત્રીએ સંસદમાં કહ્યું હતું કે દેશમાં અદાણી ગ્રૂપની ફેક કંપનીઓ હાજર હોવાના આરોપ લગાવનાર હિંડેનબર્ગ રિપોર્ટ જુઠ્ઠો અને આધારહીન છે. જોકે હિંડેનબર્ગના રિપોર્ટને લીધે અદાણી સામ્રાજ્ય હચમચી ગયું હતું અને તેની માર્કેટ કેપ 150 બિલિયન ડૉલર જેટલી ઘટી ગઈ હતી.