કેનેડા (Canada)એ G-20 સમિટથી પહેલાં ભારત સાથે અનેક વર્ષોથી ચાલતી વેપાર મંત્રણા અટકાવી દીધી છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ગત મહિને ભારત સાથેની વેપાર મંત્રણા પર રોક લગાવવા આગ્રહ કર્યો હતો કેમ કે કેનેડાના નેતા G-20 નેતાઓના સમૂહના શિખર સંમલન માટે દિલ્હીની મુલાકાતે આવી રહ્યા છે.
કેનેડાના ભારતીય હાઈકમિશને કરી પુષ્ટી
કેનેડામાં ભારતીય હાઈકમિશન સંજય કુમાર વર્માએ આ અંગે પુષ્ટી કરી હતી કે ટ્રુડોની ટીમે આ રોકની પહેલ કરી હતી. અહેવાલ અનુસાર સંજય કુમાર વર્માએ કહ્યું કે કેનેડા તરફથી ભારત સાથેના વેપાર સમજૂતિ પર ઝડપથી ચાલી રહેલી વાતચીત પર થોડાક સમય માટે રોક લગાવવા આગ્રહ કરાયો છે. જોકે મારી પાસે હજુ કોઈ સચોટ કારણ આવ્યું નથી પરંતુ વધારે પડતી શક્યતા એ છે કે આ રોકથી હિતધારકોની સાથે વધારે ચર્ચા-વિચારણાંની તકો મળશે.
મંત્રણા કેમ અટકી?
ટ્રુડોની આગામી ભારતની યાત્રા વિશે એક બ્રીફિંગમાં સરકારી અધિકારીઓએ પત્રકારોને કહ્યું હતું કે વેપાર મંત્રણા એક લાંબી અને જટિલ પ્રક્રિયા હોય છે અને કેનેડાએ સ્થિતિનું આકલન કરવા માટે રોક લગાવી દીધી છે. નામ ન જાહેર કરવાની શરતે અધિકારીએ આ માહિતી આપી હતી. કેનેડાના વેપાર મંત્રી મેરી એનજીના કાર્યાલયે આ મામલે નિવેદન આપવાનું ટાળ્યું હતું.
શું ટ્રુડો અને પીએમ મોદી વચ્ચે વન ટુ વન મીટિંગ યોજાશે?
વડાપ્રધાન મોદી (Narendra Modi) આ વર્ષે G-20નું નેતૃત્વ કરી રહ્યાછે અને ટ્રુડોના અનેક મંત્રી પહેલાંથી જ ભારતમાં તેમના સમકક્ષો સાથે એકઠાં થઈ ગયા છે. વડાપ્રધાન ટ્રુડો આગામી સપ્તાહે ભારત આવવાના છે. જોકે હાલ એ નક્કી નથી કે તે વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે કે નહીં.