ચીનના વિવાદિત નક્શાનો હવે ચીને કબજે કરેલા તિબેટમાં પણ વિરોધ થવા લાગ્યો છે. ભારતના અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીનને પોતાનો હિસ્સો ગણાવીને ચીન દ્વારા આ વિવાદિત નક્શો જાહેર કરવામાં આવ્યો છે. આ નક્શાને લઇને તિબેટના સાંસદ યેશી ડોલ્મા ભડક્યા છે અને ચીનને આડેહાથ લીધુ છે. સાથે ચેતવણી આપી હતી કે ચીન હવે તિબેટ બાદ ભારત પર કબજાની ફિરાકમાં છે.
ડોલ્માએ કહ્યું હતું કે ચીને તિબેટમાં નરસંહાર કર્યો છે અને અનેક લોકોની હત્યા કરી છે. ચીન ૧૯૫૯થી અક્સાઇ ચીન વિસ્તાર પર ગેરકાયદે કબજો કરીને બેઠુ છે. ચીનની નીતિઓ સંપૂર્ણ રીતે દમનકારી છે. તેમણે સાથે એવો પણ દાવો કર્યો હતો કે ચીને તિબેટ પર કબજો કર્યો તે રીતે તેણે હવે ભારત પર પણ કબજો કરવાનો પ્રયાસ કર્યો છે. અમે ઇચ્છીએ છીએ કે પુરા દક્ષિણ એશિયન દેશો એક થઇ જાય અને ચીનનો આકરો વિરોધ કરે.
તિબેટ પર કબજા બાદ ચીને શું કર્યું છે તેની જાણકારી આપતા ડોલ્માએ વધુમાં કહ્યું હતું કે ચીને તિબેટમાં વહેતી નદીઓ પર મોટા ૧૧ ડેમ બાંધ્યા છે. જો હવે ચીન તિબેટમાં વધુ આવા ડેમ બનાવશે તો તેનાથી ભારતમાં પાણીની અછત ઉભી થઇ જશે. અમે ભારતના લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે અમારુ સમર્થન કર્યું છે. અમારા ૧૧ સંગઠન છે જે ભારતની મુલાકાત કરી રહ્યા છે. ડોલ્માએ વધુમાં કહ્યું હતું કે ચીને તિબેટના બંધારણ પર કબજો કરી રાખ્યો છે. ચીન હાલ એક મોટો ડેમ બનાવી રહ્યું છે અને તેને કારણે ભારતને મળનારુ પાણી અટકી જશે.