ભારતમાં હાલ તહેવારોનું વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી શનિવારથી શરૂ થઈ રહેલી જી-૨૦ શિખર મંત્રણા માટે સજીધજીને તૈયાર છે. જી-૨૦ બેઠકમાં ભાગ લેવા માટે દુનિયાભરના ટોચના નેતાઓ શુક્રવારે દિલ્હી પહોંચી ગયા છે ત્યારે આ શિખર મંત્રણા પહેલાં ભારતે શુક્રવારે જણાવ્યું હતું કે, નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશન લગભગ તૈયાર છે. આ ડેક્લેરેશન ગ્લોબલ સાઉથનો અવાજ બનશે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલા આત્મવિશ્વાસનું પ્રતિબિંબ પાડશે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારતના અધ્યક્ષપદે જી-૨૦ બેઠક સમાવેશી અને માનવલક્ષી વિકાસની નવી દિશાના દ્વાર ખોલશે. જી-૨૦નું ભારતનું અધ્યક્ષપદ પીએમ મોદીના સમાવેશી દૃષ્ટિકોણ પર ખરું ઉતર્યું છે.
રશિયા-યુક્રેન યુદ્ધ અને જળવાયુ પરિવર્તન સંબંધિત ચોક્કસ ઘર્ષણવાળા મુદ્દાઓ પર કશું બોલવાનો ઈનકાર કરતાં ભારતના ટોચના જી-૨૦ અધિકારીઓએ બે દિવસની શિખર મંત્રણાની પૂર્વ સંધ્યાએ કહ્યું કે નવી દિલ્હી ડેક્લેરેશન લગભગ તૈયાર છે અને સર્વસંમતિથી સંયુક્ત ઘોષણાપત્ર જાહેર થવાની અમને આશા છે. ૧૮મી જી-૨૦ બેઠક માટે અમેરિકન પ્રમુખ જો બાઈડેન, બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનાક, જાપાનના વડાપ્રધાન ફુઈમો કિશિદા, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને અન્ય નેતાઓ શુક્રવારે દિલ્હી પહોંચી ગયા છે.
બીજીબાજુ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વર્લ્ડ બેન્ક અને આર્થિક સહકાર અને વિકાસ માટેની સંસ્થા (ઓઈસીડી) જેવી વૈશ્વિક સંસ્થાઓના પ્રમુખો પણ દિલ્હી પહોંચી રહ્યા છે. જી-૨૦ શિખર સંમેલનને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીને કિલ્લેબંધીમાં ફેરવી દેવાઈ છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે.
૧૮મી જી-૨૦ શિખર મંત્રણાની બેઠકો યોજાવાની છે તે આઈકોનિક ભારત મંડપમ વિસ્તારને પોલીસ, અર્ધલશ્કરી દળો અને અન્ય એજન્સીઓ દ્વારા ઘેરી લેવાયો છે. ભારત પહેલી વખત વિશ્વના મોટાભાગના વિકસિત દેશો અને ઊભરતા રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ કરતાં ૧૯ દેશો અને યુરોપીય યુનિયનની બેઠકનું આયોજન કરી રહ્યું છે.
ભારતના જી-૨૦ શેરપા અમિતાભ કાંતે કહ્યું કે, ન્યૂ દિલ્હી લીડર્સ ડેક્લેરેશન ગ્લોબલ સાઉથ અને વિકાસશિલ રાષ્ટ્રોના અવાજનો પડઘો પાડશે. અમારું ડેક્લેરેશન લગભગ તૈયાર છે. હું તેની વધુ વિગતો જાહેર નહીં કરી શકું, કારણ કે સમિટ દરમિયાન આ ડેક્લેરેશનની ભલામણો કરાશે અને નેતાઓ તેને સ્વીકૃતિ આપશે ત્યાર પછી જ અમે આ ડેક્લેરેશનની વાસ્તવિક સિદ્ધિઓ જણાવી શકીશું. ભારતને અપેક્ષા છે કે જી-૨૦ સભ્યો સર્વસંમતિથી આ ડેક્લેરેશનને મંજૂરી આપશે.
તેમણે ઉમેર્યું કે, જી-૨૦ના ભારતના પ્રમુખપદની એક મહત્વપૂર્ણ સિદ્ધિ એ છે કે આ સંગઠનમાં આફ્રિકન યુનિયનનો કાયમી સભ્ય તરીકે સમાવેશ કરવાની ભારતની દરખાસ્તનું જી-૨૦ના લગભગ બધા જ દેશોએ સમર્થન કર્યું હતું. વધુમાં ભારતના પ્રમુખપદની અન્ય એક મહત્વપૂર્ણ બાબત એ છે કે સમગ્ર વિશ્વે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફત ભારત ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે તે સ્વીકાર્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર પછી જી-૨૦ સંગઠન સૌથી પ્રભાવશાળી બહુપક્ષીય ફોર્મ્યુલા તરીકે ઊભરી આવ્યું છે. જોકે, રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે તીવ્ર મતભેદોને જોતાં શિખર મંત્રણામાં સંયુક્ત ડેક્લેરેશન થશે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે. જી-૨૦નું સંચાલન સર્વસંમતિના સિદ્ધાંતો પર થાય છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિઓ ગુટરેસે આશા વ્યક્ત કરી હતી કે જી-૨૦નું ભારતનું પ્રમુખપદ વિશ્વને જેની તાતી જરૂર છે તે પરિવર્તનકારી ફેરફારોને આગળ વધારવામાં મદદરૂપ બનશે. તેમણે ચેતવણી આપી છે કે વિશ્વમાં વિભાજન વધી રહ્યું છે અને આ વિભાજિત વિશ્વમાં વિશ્વાસનો અભાવ વધી રહ્યો છે. જી-૨૦ સમિટ માટે દિલ્હી પહોંચ્યા પછી ગુટરેસે કહ્યું કે, મહાઉપનિષદમાંથી પ્રેરિત જી-૨૦ની થીમ ‘એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્ય’ એટલે કે ‘વસુધૈવ કુટુંબકમ’ સૂત્રનો આજના વિશ્વમાં પડઘો જોવા મળે છે.
જી-૨૦ના સભ્ય દેશો વૈશ્વિક જીડીપીના ૮૫ ટકા, વૈશ્વિક વેપારના ૭૫ ટકા અને વિશ્વની બે તૃતિયાંશ વસતીનું પ્રતિનિધિત્વ કરે છે. જી-૨૦ સંગઠન દેશોમાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, તૂર્કીયે, બ્રિટન, અમેરિકા અને યુરોપીયન સંગઠનનો સમાવેશ થાય છે. આ સિવાય આ બેઠક માટે ભારતે બાંગ્લાદેશ, ઈજિપ્ત, મોરેશિયસ, સંયુક્ત આરબ અમિરાત, સ્પેન, સિંગાપોર, ઓમાન, નાઈજેરિયા અને નેધરલેન્ડ્સ જેવા દેશોના પ્રમુખોને આમંત્રણ આપ્યું છે.
‘વિલ્કોમ’, ‘સ્વાગતમ’ : જી-૨૦ નેતાઓનું અનેક ભાષામાં સ્વાગત
નવી દિલ્હી: જી-૨૦ નેતાઓ અને પ્રતિનિધિમંડળનું ફ્રેન્ચમાં ‘બિએનવ્યૂ’થી લઈને તૂર્કીશમાં ‘હોલ્ગેલ્ડિનિઝ’જેવા શબ્દોથી સ્વાગત કરાયું હતું. જી-૨૦ બેઠક માટે દિલ્હી પહોંચેલા આંતરરાષ્ટ્રીય મહેમાનોને આવકારવા માટે કેન્દ્ર સરકારે ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાથી પ્રેરિત થઈ અનેક ભાષાઓમાં આવકાર્યા હતા. ભારત મંડપમ પરિસરના હોલ નં.-૧૪માં પ્રતિનિધિ ઓફિસમાં સ્થાપિત વેલકમ બેકડ્રોપના અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય મહેમાનોને અનેક ભાષાઓમાં આવકાર્યા હતા. તેઓ જર્મનીમાં ‘વિલ્કોમેન’થી લઈને ઈન્ડોનેશિયામાં ‘સેલામેન ડાટાન્ગ’ અને તુર્કીશમાં ‘હોસગેલ્ડિનિઝ’ જેવા પ્લેકાર્ડ લઈને ઊભા રહ્યા હતા.
૭૦૦ શેફ-સ્ટાફ, ૪૦૦ ડીશ, લાઈવ કિચન
જી-૨૦ સમિટ માટે નવી દિલ્હીના પ્રગતિ મેદાન પર બનેલા ભારત મંડપમમાં આવનારા મહેમાનો માટે અંદાજે ૭૦૦ શેફ ભોજન બનાવશે. વિદેશી મહેમાનોને અંદાજે ૪૦૦થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે. આ સિવાય શ્રી અન્નથી બનેલા દેશી પકવાન અને વિદેશી ડિશ પણ વિદેશના રાષ્ટ્રાધ્યક્ષો સહિત તેમની સાથે આવનારા પ્રતિનિધિમંડળોને પીરસાશે. બીજીબાજુ દિલ્હી સરકારે જી-૨૦ સમિટમાં સામેલ હસ્તીઓને પીરસવામાં આવનારા ભોજનની તપાસ માટે ફૂડ સેફ્ટી અધિકારીઓને તૈનાત કર્યા છે. સમિટના વેન્યૂ ભારત મંડપમમાં મહેમાનો માટે બ્રેકફાસ્ટ, લંચ, હાઈ ટી અને ડિનરનું આયોજન કરાયું છે. આ બધું જ ફાઈવ સ્ટાર હોટેલના શેફ બનાવશે. ભારત મંડપમમાં લાઈવ કિચન બનાવાયું છે, જેમાં શેફ મહેમાનોની ઈચ્છા મુજબની ડિશ બનાવશે. મહેમાનોને ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવશે.
જી-૨૦ સમિટનું શેડયુલ શનિવાર
સવારે ૯.૩૦ : ભારત મંડપમ ખાતે મહેમાનોનું આગમન, પીએમ મોદી સાથે વેલકમ ફોટોગ્રાફી. લીડર્સ લાઉન્જમાં મુલાકાત.
સવારે ૧૦.૩૦ : સમીટ હોલમાં વન અર્થ પર પહેલું સત્ર યોજાશે. ત્યાર પછી લંચ થશે.
બપોરે ૧.૩૦ : મહેમાનોની દ્વિપક્ષીય મુલાકાતો થશે.
બપોરે ૩.૦૦ : સમીટ હોલમાં વન ફેમિલી પર બીજું સત્ર. મહેમાનો હોટેલ પર પાછા ફરશે.
સાંજે ૭.૦૦ : ડીનર થશે. તે પહેલાં વેલકમ ફોટોગ્રાફી.
રાતે ૮.૦૦ : ડીનર પર ચર્ચા.
રાતે ૯.૧૦ : લીડર્સ લાઉન્જમાં મહેમાનો એકત્ર થશે. અહીંથી હોટેલ પાછા ફરશે.
રવિવાર
સવારે ૮.૧૫ : રાજઘાટ પર મહેમાનોનું આગમન. અહીં લીડર્સ લાઉન્જમાં પીસ વોલ પર હસ્તાક્ષર કરશે.
સવારે ૯.૦૦ : મહાત્મા ગાંધીની સમાધી પર મહેમાનો શ્રદ્ધાજંલિ અર્પિત કરશે. ત્યાર પછી ભક્તિ ગીતોનું આયોજન
સવારે ૯.૨૦ : મહેમાનો ભારત મંડપમ્ પહોંચશે.
સવારે ૧૦.૧૫ : સાઉથ પ્લાઝામાં વૃક્ષારોપણ સમારંભ.
સવારે ૧૦.૩૦ : સમીટ હોલમાં વન ફ્યુચર પર ત્રીજું સત્ર. ત્યાર પછી નવી દિલ્હી મેનિફેસ્ટોની જાહેરાત થશે. સમિટનું સમાપન થશે અને અધ્યક્ષતા ટ્રાન્સફર થશે.
બપોરે ૧૨.૩૦ : દ્વિપક્ષીય મુલાકાતો અને મહેમાનોની વિદાય.