દેશની રાજધાની દિલ્હીમાં હાલ બે દિવસ ચાલનારી G-20 શિખર સમ્મેલનનો આજથી પ્રારંભ થયો છે અને શરુઆતના સત્રમાં તમામ મહેમાનોનું સ્વાગત વડાપ્રધાને કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનની આગળ દેશના નામમાં ઈન્ડિયાની જગ્યાએ અંગ્રેજીમાં ભારત લખેલું જોવા મળ્યું હતું. આના પરથી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ખરેખર દેશનું નામ બદલાયું છે?
iNDIAની જગ્યાએ BHARAT લખેલું જોવા મળ્યું
દેશનું નામ બદલવાની ચર્ચા વચ્ચે આજે G-20 શિખર સમ્મેલનમાં પીએમ મોદીની સામે દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત લખેલું જોવા મળ્યુ હતું. કોઈ દેશની સત્તાવાર મીટિંગમાં તે દેશના રાષ્ટ્રપ્રમુખની આગળ દેશના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ વખતે પીએમ મોદીની આગળ ઈન્ડિયાની જગ્યાએ અંગ્રેજીમાં ભારત લખેલું જોવા મળ્યું જે ફરી એકવાર દેશનું નામ બદલવાની ચર્ચાને જોર આપી રહ્યું છે જો કે સરકાર તરફથી આને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ભારતના રાષ્ટ્રપતિ લખતા વિવાદ ઉભો થયો હતો
આ પહેલા મંગળવારે જ્યારે રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા આયોજિત G-20ના ડિનર માટે મોકલાયેલી આમંત્રણ પત્રિકામાં ઈન્ડિયાના રાષ્ટ્રપતિની જગ્યાએ ભારતના રાષ્ટ્રપતિ લખતા વિવાદ ઉભો થયો હતો. આના પર વિપક્ષે મોદી સરકાર પર પ્રહાર પણ કર્યા હતા. બીજી તરફ પીએમ મોદીએ બુધવારે પોતાના મંત્રીમંડળના સહયોગીઓને આ મુદ્દે રાજકીય વિવાદથી દુર રહેવા કહ્યું હતું. આ સિવાય મોદીએ પોતાના મંત્રી પરિષદની સાથે વાતચીત દરમિયાન G-20 શિખર સમ્મેલનમાં શુ કરવું અને શુ ન કરવું તે મુદ્દા પર જોર આપ્યુ હતું.