અમેરિકાના પ્રમુખ જો બાઇડેન ભારતમાં જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લીધા પછી તે વિયેતનામ પહોંચી ગયા છે. ચીનના વિકલ્પ તરીકે વિયેતનામ અમેરિકા સાથે વેપાર વધારવા માગે છે.
અમેરિકાના પ્રમુખે જણાવ્યું છે કે તેમને આનંદ છે કે વિયેતનામ વેપારમાં અમેરિકાને વ્યૂહાત્મક ભાગીદાર બનાવવા માગે છે. અમેરિકા અને યુરોપની કંપનીઓ ચાઇનીઝ ફેક્ટરીઓનો વિકલ્પ શોધી રહી છે ત્યારે વિયેતનામ અમેરિકાથી મિત્રતા વધારવા માગે છે.
રવિવાર બપોરે હનોઇ પહોંચી ગયેલા બાઇડેને જણાવ્યું હતું કે વિયેતનામ અમેરિકાને સંરક્ષણ ભાગીદાર બનાવવા માગતુ નથી પણ તે અમેરિકા સાથે એટલા માટે સારા સંબધો વિકસાવવા માગે છે કારણકે તે ચીનને જણાવવા માગે છે કે તે એકલો નથી અને તે પોતાના ભાગીદારો પસંદ કરી શકે છે.
ચીન આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે અમેરિકા વિયેતનામ અને કમ્બોડિયા સાથે વેપાર વધારવા માગે છે. વિયેતનામમાં બાઇડેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
૨૦૧૯થી અમેરિકા અને વિયેતનામનો વેપાર સતત વધી રહ્યો છે. હાલમાં અમેરિકા વિયેતનામ પાસેથી ૧૨૭ અબજ ડોલરની આયાત કરે છે. જે ૨૦૧૯થી બમણી છે.