આસામમાં બાળ વિવાહ વિરુદ્ધ રાજ્ય સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ બાળ વિવાહ કરનારા લોકોને ચેતવણી પણ આપી છે. મુંખ્યમંત્રી સરમાએ રવિવારે ચેતવણી આપી છે કે, રાજ્યમાં આવનારા 10 દિવસની અંદર બાળ વિવાહમાં સામેલ 3,000 લોકોની ધરપકડ કરવામાં આવશે. મુખ્યમંત્રી સરમા બીજેપી મહિલા મોર્ચાની બે દિવસીય કાર્યકારિણી બેઠકના સમાપન અવસર પર કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.
મુખ્યમંત્રી સરમાએ આ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ માત્ર G20 શિખર સમ્મેલનના સમાપનની રાહ જોઈ રહ્યા છે. સમ્મેલન પૂર્ણ થતાં જ બીજા તબક્કાની કાર્યવાહી શરૂ કરી દઈશું. તેમણે જણાવ્યું કે, માત્ર 6 મહિના અગાઉ જ આસામમાં બાળ વિવાહ માટે 5,000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સીએમ એ જણાવ્યું કે, G20 શિખર સમ્મેલન પૂર્ણ થવા સુધી આ કાર્યવાહીને રોકવામાં આવી હતી. આગામી 10 દિવસમાં બાળ વિવાહ સાથે સબંધિત કેસમાં 2,000થી 3,000 લોકોની ધરપકડ કરવામાં આવશે.
કોંગ્રેસ કરતા તો વધુ અમે મુસ્લિમો માટે કામ કર્યું છે: CM સરમા
આસામના મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે જો રાજ્યમાં સામાજિક ખતરો યથાવત રહેશે તો એક વિશેષ વર્ગની દીકરીઓને ક્યારેય પ્રગતિ કરવાની તક નહીં મળે. કેટલાક લોકો કહે છે કે, અમે મુસ્લિમ વિરોધી છીએ. પરંતુ અમે ટ્રિપલ તલાક, બહુપત્નીત્વ અને બાળ લગ્નને નાબૂદ કરવાના અમારા પ્રયાસો દ્વારા ઉત્તમ કાર્ય કર્યું છે. સીએમ શર્માએ કહ્યું કે, અમે કોઈપણ કોંગ્રેસ સરકાર કરતા મુસ્લિમો માટે વધુ કામ કર્યું છે.
સીએમ સરમાએ આગળ કહ્યું કે, અનેક મુસ્લિમ દેશોમાં પહેલાથી જ આ પ્રકારી ખરાબ પ્રથાઓનો ખતમ કરી દેવામાં આવી છે. જોકે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ભારતમાં આ પ્રથાઓને ખતમ કરવા પર વિરોધ કર્યો છે.