આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી સાયબર (Cyber Crime) ઠગ માટે ખૂબ જ ઉપયોગી બની રહી છે. AI દ્વારા ફેક વીડિયો કોલ કરવામાં આવે છે. તેના દ્વારા સ્કેમર્સ લોકોને ફસાવે છે. એઆઈ ડીપફેક (AI Deepfake) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને પૈસા ટ્રાન્સફર કરવા માટે તૈયાર કરવામાં આવે છે. આમ ડીપફેક અને એઆઈ દ્વારા લોકોને ફસાવવામાં આવે છે અને છેતરપિંડી કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ પ્રકારના ફ્રોડથી કેવી રીતે બચી શકાય.
આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે
સાયબર ગુનેગારો છેતરપિંડી કરવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ડીપફેક ટેક્નોલોજીથી સ્કેમર્સ સરળતાથી લોકોને તેનો શિકાર બનાવી રહ્યા છે. ડીપફેક્સ સાથે બધું વાસ્તવિક લાગે છે અને લોકો સરળતાથી ફેક વસ્તુઓ પર વિશ્વાસ કરે છે અને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે.
મિત્ર કે સંંબંધીના નામે કરે છે વિડીયો કોલ
લોકોને તેના નજીકના મિત્ર કે સંબંધીના નામે વીડિયો કોલ આવે છે. આ કોલ સાયબર ગુનેગારો દ્વારા કરવામાં આવે છે. સાયબર ઠગ કોલ કરનાર વ્યકતિના મિત્ર કે સંબંધીનો ફેક ચહેરો બનાવે છે અને એઆઈ ડીપફેક ફેસ સ્વેપિંગ ટેક્નોલોજી દ્વારા વીડિયો કોલ પર વાત કરે છે. તે તાત્કાલિક મદદ માટે રૂપિયાની માગ કરે છે અને સામે વાળી વ્યક્તિને વિશ્વાસમાં લે છે. લોકો પોતાના મિત્રને મદદ કરવા માટે રાજી થઈ જાય છે અને આવી રીતે થાય છે ફ્રોડ.
આ રીતે થાય છે છેતરપિંડી
લોકો સાથે ફ્રોડ થયા બાદ જ્યારે તેઓ મિત્ર કે સંબંધી સાથે વાત કરે છે ત્યારે સમજાય છે કે તેઓએ આવો કોઈપણ વીડિયો કોલ કર્યો ન હતો અને રૂપિયાની માંગણી કરી ન હતી. સાયબર ગુનેગારો છેતરપિંડી કરવા માટે ફોટો, વીડિયો અને હવે વીડિયો કોલનો ઉપયોગ કરી રહ્યા છે.
આવા વીડિયો કોલને કેવી રીતે ઓળખવા
- ડીપફેક વીડિયોમાં દેખાતી વ્યક્તિના શરીરના ભાગોમાં ખામી જોવા મળે છે.
- આંખોની આસપાસ પડછાયાઓ પણ દેખાય છે.
- અસામાન્ય રીતે આંખનું હલન ચલન થાય છે.
- વીડિયો કોલ દરમિયાન તેના ચહેરાના હાવભાવ જુઓ.
- વાતચીત દરમિયાન તેના હોઠની મૂવમેન્ટ ચેક કરો.
જો તમે સાયબર ક્રાઈમનો શિકાર બનો છો તો હેલ્પલાઈન નંબર પર કોલ કરો. 1930 અને સરકારના સાયબર ક્રાઈમ સેલમાં તરત જ ફરિયાદ નોંધાવો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.