અયોધ્યામાં રામજન્મભૂમિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભગવાન રામના બની રહેલા મંદિરનું ઉદ્ઘાટન આગામી વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં થઈ શકે તેવી સંભાવના છે, ત્યારે તેની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રામ લલ્લાના અભિષેક સમારોહ માટે સુરક્ષા વ્યવસ્થાની બ્લુ પ્રિન્ટ લગભગ તૈયાર છે. સમારોહ માટે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે. સમારોહ દરમિયાન રામજન્મભૂમિ સંકુલમાં PM મોદી ઉપરાંત અન્ય VVIP અને લગભગ દસ હજાર લોકો પણ હાજર રહે તેવી શક્યતા છે. આ સંદર્ભે, SSF એટલે કે સ્પેશીયલ સુરક્ષા દળના 80 જવાનોનું એક જૂથ ગઈકાલે રાતે અયોધ્યા પહોંચી ગયું છે. અભિષેક સમારોહ પહેલા SSFની આઠ કંપનીઓ રામજન્મભૂમિની સુરક્ષાની જવાબદારી સંભાળશે.
SSFના જવાનોને પહેલા ટ્રેનિંગ અપાશે
હાલમાં રામજન્મભૂમિની સુરક્ષા CRPF અને PACને સોંપવામાં આવી છે. આ મહિનાથી જ મંદિરની આ સુરક્ષાની કમાન હવે SSFના જવાનના હાથે સોંપાશે. આ પહેલા SSFના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે. 80 જવાનોના જૂથને 12 થી 16 સપ્ટેમ્બર સુધી ટ્રેનીંગ આપવામાં આવશે. આ પછી, જવાનોનું બીજું જૂથ અહીં પહોંચશે અને ટ્રેનીગ બાદ પોતાનો ચાર્જ સંભાળશે.
મંદિરની સુરક્ષા માટેનો તમામ તામજામ તૈયાર
એવું કહેવામાં આવી રહ્યું છે કે, સંસદ અને રાષ્ટ્રપતિ ભવન જેવી રામ મંદિરની સુરક્ષા માટે એક યોજના બનાવવામાં આવી છે. હવે તેને ગ્રાઉન્ડ લેવલ પર અમલી બનવાની તૈયારી ચાલી રહી છે. મંદિરની સુરક્ષા માટે વિશેષ પ્રશિક્ષિત SSF જવાનોને તૈનાત કરવામાં આવશે. જ્યારે કેમ્પસના વિવિધ ભાગોની સુરક્ષાની જવાબદારી SSFના જવાનોની અલગ-અલગ ટુકડીઓને આપવામાં આવશે. આ સૈનિકો આધુનિક હથિયારોથી સજ્જ હશે. સમગ્ર સંકુલની દેખરેખ માટે આધુનિક કંટ્રોલ રૂમ પણ લગભગ તૈયાર છે. 77 કરોડમાં અત્યાધુનિક હથિયારો પણ ખરીદવામાં આવ્યા છે. કેમ્પસમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની કાયમી તૈનાત પણ કરવામાં આવી રહી છે.