એર્દોગને ભારતના મિડલ ઈસ્ટ કોરિડોર પર ભારે વાંધો ઉઠાવેલો છે અને કહ્યુ છે કે તુર્કીને બાકાત રાખીને આ કોરિડોર બનાવવો શક્ય નથી. તુર્કી પહોચેલા પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરે તુર્કીની સેનાના આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટેના યોગદાનના વખાણ કરીને તુર્કી સાથે પાકિસ્તાનની દોસ્તી મજબૂત કરવા પર ભાર મુકયો છે.
તેમણે કહ્યુ હતુ કે, બંને દેશોની દોસ્તી સમયની કસોટી પર ખરી ઉતરી છે. પાકિસ્તાન અને તુર્કી વચ્ચે બહુ ઘેરા સબંધો છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સેના તુર્કી પાસે તેના ઘાતક ટીબી-2 ડ્રોન સહિતના હથિયારો ખરીદી રહી છે. પાક સેના તુર્કી સાથે મળીને પાંચમી પેઢીનુ લડાયક વિમાન વિકસીત કરવા માંગે છે.
જી-20 સંમેલન પુરુ થયા બાદ તરત જ મુનીર તુર્કી પહોંચ્યા હોવાથી અટકળો થઈ રહી છે. ખાસ કરીને સાઉદી અરબને પોતાના મોટાભાઈ તરીકે ગણાવનાર પાકિસ્તાન સરકારને સાઉદી પ્રિન્સે પાકિસ્તાનની મુલાકાત લેવાનો ઈનકાર કરીને આંચકો આપ્યો છે અને તેની સાથે સાથે ભારત સાથે મળીને મિડલ ઈસ્ટ કોરિડોર બનાવવાનુ એલાન કર્યુ છે. જેને પાકિસ્તાન અને ચાઈનાના સીપેક કોરિડોરની સમકક્ષ જોવામાં આવી રહ્યો છે.