સાઉદી અરબે ક્રૂડ ઓઈલ પર પ્રીમિયમ ઘટાડીને 3.50 ડૉલર બેરલ કરી દેતાં ગ્લોબલ ઓઈલ માર્કેટમાં એક મોટું પગલું ભર્યું છે. ગત વર્ષ સુધીમાં સાઉદી અરબ ક્રૂડ ઓઈલ પર લગભગ 10 ડૉલરના દરે પ્રીમિયમ વસૂલી રહ્યું હતું. આ નિર્ણયની વૈશ્વિક ઓઈલ બજાર અને તેના ગ્રાહકો પર અલગ અલગ અસર થશે. આ નિર્ણયથી હવે ભારત સરકારને ક્રૂડ ઓઈલ (Crud Oil) ની ખરીદીમાં મોટો ફાયદો થશે. તો હવે એવી આશા છે કે તેનાથી પેટ્રોલ-ડીઝલ (Patrol Diesel) ના ભાવમાં ઘટાડો થશે અને પ્રજાને રાહત મળશે.
એવું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે કે રશિયાથી મળી રહેલાં સસ્તાં ક્રૂડનો મુકાબલો કરવા માટે સાઉદી અરબે આ પગલું ભર્યું છે. એશિયન પ્રીમિયમમાં કરાયેલા ઘટાડાથી હવે ભારતને સાઉદી અરબથી પહેલાંની તુલનાએ ઓછી કિંમતે ક્રૂડ ઓઈલ મળશે. સાઉદી અરબ રશિયા અને ઈરાન બાદ ભારતને ઓઈલ નિકાસ કરનાર ત્રીજો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે.
ભારત હંમેશાથી આ પ્રીમિયમના વિરોધમાં રહ્યું છે
એશિયન પ્રીમિયમ એશિયાઈ દેશોથી ક્રૂડ ઓઈલની અસલ કિંમત ઉપર વસૂલાતી વધારાની કિંમત છે જેને OPEC દેશો દ્વારા વસૂલવામાં આવે છે. ભારતે હંમેશા ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશો પર દબાણ બનાવ્યું હતું કે તે આ પ્રીમિયમ ન વસૂલે. આટલું જ નહીં ભારતે હંમેશા OPEC દેશો પાસે એક એશિયન ડિસ્કાઉન્ટની માગ પણ કરી હતી. એવામાં જ્યારે અનેક દેશો ક્રૂડ ઓઈલ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે અને અમુક પ્રીમિયમ વસૂલી રહ્યા છે તો ક્રૂડ ખરીદનાર દેશ સૌથી સસ્તાં જ સોદાને પ્રાધાન્ય આપી રહ્યા છે.