જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની દ્વારા તેના બેન્ચમાર્ક ગર્વમેન્ટ બોન્ડ ઈમર્જિંગ-માર્કેટ ઈન્ડેક્સમાં ભારતીય સરકારી બોન્ડસનો જૂન ૨૦૨૪થી સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે. ભારતીય બોન્ડસના સમાવેશથી દેશના ડેટ માર્કેટમાં અબજો ડોલરનો વિદેશી રોકાણ પ્રવાહ ઠલવાય એવો અંદાજ છે. જેનો પ્રાથમિક અંદાજ અત્યારે ૩૦ અબજ ડોલર સુધીનો મૂકવામાં આવી રહ્યો છે.
આ ઈન્ડેક્સ પ્રોવાઈડર જેપી મોર્ગન ગવર્મેન્ટ બોન્ડ ઈન્ડેક્સ-ઈમર્જિંગ માર્કેટ્સમાં ભારતીય સિક્યુરિટીઝના સમાવેશની શરૂઆત ૨૮, જૂન ૨૦૪થી કરશે. જે ૩૧, માર્ચ ૨૦૨૫ સુધી ૧૦ મહિનામાં આ ભારતીય સરકારી બોન્ડસનો દર મહિને એક ટકા જેટલો સમાવેશ થશે, અત્યારે આ ઈન્ડેક્સમાં સમાવેશ માટે ૩૩૦ અબજ ડોલરનું સંયુક્ત નોશનલ મૂલ્ય ધરાવતા ૨૩ ભારતીય સરકારી બોન્ડસ સમાવેશ માટે માન્ય છે. ભારતીય બોન્ડસનો સમાવેશ દર મહિને એક ટકાના ધોરણે કરવામાં આવશે. આ ઈન્ડેક્સમાં ભારતનું મહત્તમ વેઈટેજ ૧૦ ટકા હશે એવું એક નિવેદનમાં જણાવાયું છે.
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં વિદેશીઓ સંપૂર્ણ માલિકી ધરાવી શકે એવા બોન્ડસ દાખલ કરવા સાથે વિદેશી પોર્ટફોલિયો રોકાણ પ્રવાહને આકર્ષવા અન્ય પ્રોત્સાહનોના પગલે જેપી મોર્ગનનો આ નિર્ણય આવ્યો છે.
ક્લિયરીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના આંકડા મુજબ જેપી મોર્ગનના ઈમર્જિંગ બોન્ડ ઈન્ડેક્સમાં સમાવેશની અગાઉથી અપેક્ષાએ વિદેશી રોકાણકારોએ આવા બોન્ડસમાં તેમનું હોલ્ડિંગ વર્ષ ૨૦૨૨ના અંતના ૭.૪ અબજ ડોલરથી વધારીને ૧૨ અબજ ડોલર જેટલું કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિદેશી રોકાણકારોએ ચાલુ વર્ષમાં ૩.૫ અબજ ડોલરના ભારત સરકારના દેવાની ખરીદી કરી છે. જ્યારે બીજી તરફ ભારત ઈક્વિટીમાં ચાલુ વર્ષે ટોચના રોકાણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જેપી મોર્ગન ગવર્મેન્ટ બોન્ડ ઈન્ડેક્સ-ઈમર્જિંગ માર્કેટસ ઈન્ડેક્સમાં ભારતીય સરકારી બોન્ડસના સમાવેશના નિર્ણય બાદ એક શકયતા બ્લુમબર્ગ ગ્લોબલ એગ્રીગેટ ઈન્ડેકસમાં પણ ભારતીય સરકારી બોન્ડસનો સમાવેશ થવાની શકયતા બતાવાઈ રહી છે.
બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં જોડાવાની શક્યતાઓ વધી
જેપી મોર્ગન ઈમર્જીંગ માર્કેટ બોન્ડ ઇન્ડેક્સમાં જોડાયા પછી, ભારતની બ્લૂમબર્ગ ગ્લોબલ એગ્રીગેટ ઇન્ડેક્સમાં જોડાવાની શક્યતાઓ પણ વધી છે. જો ભારતને બ્લૂમબર્ગ ગ્લોબલ એગ્રીગેટ ઈન્ડેક્સમાં સામેલ કરવામાં આવે તો તે ભારતમાં ૧૫ બિલિયનથી ૨૦ બિલિયન ડોલરનો નાણાપ્રવાહમાં વધારો થઇ શકે છે.