અઝરબૈઝાનમાં આજે ઓઈલ ડેપોમાં થયેલા ભયંકર વિસ્ફોટ માં 20 લોકોના મોત થયાના અહેવાલો મળ્યા છે. નાગોર્નો-કારાબાખ વિસ્તારમાં બનેલી ઘટનામાં અસંખ્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. મીડિયા અહેલાલો મુજબ લગભગ 300થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. હાલ પોલીસનો કાફલો અને ઘણી એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી છે અને ઈજાગ્રસ્તોને તુરંત નજીકની હોસ્પિટલમાં લઈ જઈ રહી છે. હાલ વિસ્ફોટ કયા કારણે થયો તે સામે આવ્યું નથી.
મૃતકોની સંખ્યા વધવાની આશંકા
અહેવાલો મુજબ આ વિસ્ફોટ નાગોર્નો કારાબાગના સ્ટેપાનાકેર્ટ શહેરમાં બની છે. સ્થાનિક વહિવટીતંત્રએ જણાવ્યું કે, હાલ 13 લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે સારવાર દરમિયાન 7 લોકોના મોત નિપજ્યા છે. હાલ મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.
આર્મેનિયાના PMએ લગાવ્યો ગંભીર આરોપ
આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પેશિનયાને આક્ષેપ કર્યો છે કે, આ વિસ્તારમાં જાતીય નરસંહાર કરવામાં આવી રહ્યો છે. બીજીતરફ અઝરબૈઝાને કહ્યું કે, તેઓ પરંપરાગત રીતે આર્મેનિયન્સને તેમનામાં સામેલ કરવા માંગે છે અને તમામને સમાન માને છે.
આર્મેનિયા અને અઝરબૈઝાન વચ્ચે લાંબા સમયથી વિવાદ
ઉલ્લેખનિય છે કે, નાગોર્નો કારાબાગ એક પહાડી વિસ્તાર છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે અઝરબૈઝાનનો વિસ્તાર માનવામાં આવે છે, જોકે આ વિસ્તાર પર છેલ્લા ત્રણ દાયકાથી વિવાદ જોવા મળી રહ્યો છે અને આર્મેનિયાઈ લોકો દ્વારા કબજો કરવામાં આવે છે. આ મામલે રશિયા એ પણ આર્મેનિયાને સમર્થન આપ્યું છે. ગત અઠવાડિયે અઝરબૈઝાનની સેનાએ આ વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 200થી વધુ આર્મેનિયાઈ નાગરિકોના મોત થયા હતા. હવે નાગોર્નો કારાબાખ વિસ્તારમાંથી આર્મેનિયાઈ નાગરિકોએ પલાયન કરવાનું શરૂ કરી દીધું છે… આ જ કારણે પલાયન વચ્ચે, ઓઈલ ડેપોમાં વિસ્ફોટથી લોકોના મોતની ઘટનાને આર્મેનિયા જાતીય નરસંહાર કહી રહી છે.
અઝરબૈજાનું નાગોર્નો કારાબાગ પર નિયંત્રણ, આર્મેનિયાના હજારો લોકોનું પલાયન
અઝરબૈજાનની સેનાએ આર્મેનિયાના નાગોર્નો કારાબાગ વિસ્તાર પર નિયંત્રણ મેળવ્યા બાદ અહીંથી હજારો આર્મેનિયન નાગરિકો પલાયન કરવા માટે મજબૂર બન્યા છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ટકરાવમાં તુર્કેઈ ના રાષ્ટ્રપતિ એર્દોગને ખુલ્લેઆમ અઝરબૈજાનનુ સમર્થન કર્યુ છે અને તેઓ આ દેશની મુલાકાતે પણ જવાના છે. અઝરબૈજાનની સેનાએ ગયા સપ્તાહે કરેલા આક્રમણમાં આર્મેનિયાની સેના 24 કલાક પણ ટકી શકી નહોતી અને નાગોર્નો કારખાબ વિસ્તારમાંથી તેને પીછેહઠ કરવી પડી હતી. હવે અઝરબૈજાનની સેનાના ડરથી આ વિસ્તારમાં રહેતા હજારો આર્મેનિયન નાગરિકો પણ ઉચાળા ભરી રહ્યા છે.
અમે આર્મેનિયાના લોકોના અધિકારોનું સન્માન કરીશું : અઝરબૈજાન
અઝરબૈજાનનુ કહેવું છે કે, નાગોર્નો કારાબાગ વિસ્તારમાં છેલ્લા 3 દાયકાથી ચાલતા ભાગલાવાદી લોકોના શાસનનો અંત આવ્યો છે. અમે આ વિસ્તારમાં રહેતા મૂળ આર્મેનિયાના લોકોના અધિકારોનુ સન્માન કરીશુ અને 10 મહિનાની નાકાબંધી પછી આ વિસ્તારમાં ફરી સપ્લાય શરુ કરીશું. જોકે સ્થાનિક લોકોને અઝરબૈજાના પર વિશ્વાસ નથી. તેમને ડર છે કે, અઝરબૈજાનની સેના અમારી સાથે બદલો લેશે અને તેના કારણે લોકોનુ પલાયન શરુ થયુ છે.
બંને દેશો વચ્ચેના વિવાદનું કારણ ‘નાગોર્નો કારાબાગ’
એક સમયે અઝરબૈઝાન અને આર્મેનિયા દેશો સોવિયત સામ્રાજ્યનો હિસ્સો હતો. 1991માં સોવિયેત રશિયા વિખેરાઈ ગયા બાદ 15 નવા દેશો બન્યા હતા, જેમાં અઝરબૈજાન અને આર્મેનિયાનો સમાવેશ થાય છે… આ બંને દેશો વચ્ચે નાગોર્નો કારાબાગ વિસ્તાર માટે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.