ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોએ એક એવી કામગીરી હાથ ધરી છે, જેના કારણે ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે. ISRO ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 ની સફળ લોન્ચિંગ બાદ હવે પોતાની રિઝનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS)ની રેજ વધારવા પર કામ કરી રહી છે. IRNSSની રેન્જ હાલ 1500 કિલોમીટર છે, જેને વધારીને 3000 કિલોમીટર કરવા પર ઝડપી કામગીરી કરાઈ છે. આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ચીન અને પાકિસ્તાન માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઘણા શહેરો ભારતીય સેટેલાઈટની રડારમાં હશે.
ઈસરોના વડાએ જણાવી આખી યોજના
ગઈકાલે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઈસરોના વડા એસ.સોમનાથ (S.Somnath) સામેલ થયા હતા, જેમાં તેમણે ઈસરોની પ્લાનિંગ પર મહત્વનું પ્રેજેન્ટેશન આપી એજન્સીનું કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રીત છે, તે અંગે જણાવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં તેમણે રિઝનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમની ચર્ચા કરતા કહ્યું કે, આ સિસ્ટમની રેન્જ બમણી કરવાનો પ્રયાસ કરાયો છે.
IRNSS સિસ્ટમ કેવી રીતે કામ કરે છે ?
ઈન્ડિયન રિઝનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમને NavIC (Navigation with Indian Constellation)ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઈસરોના જણાવ્યા મુજબ આ મિસાઈલનો નેવિગેશનથી લઈને ટ્રાન્સપોર્ટેશન (જમીનથી લઈને આકાશ સુધી), સાયન્ટિફિક રિસર્ચ, પર્સનલ મોબિલીટીમાં ઉપયોગ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ સિસ્ટમ મોટાભાગની મહત્વપૂર્ણ સેવાઓ માટે GPSનું કામ કરે છે.
…તો આટલા દેશો આવી જશે ભારતીય સેટેલાઈટની રડારમાં
હાલ IRNSSની રેન્જ ભારતીય સરહદથી 1500 કિલોમીટર દુર સુધીની છે. હવે રિઝનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (Regional Navigation Satellite System – IRNSS)ની રેન્જ બમણી કર્યા બાદ પડોશી ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી લઈને દક્ષિણ એશિયાના તમામ દેશો ભારતીય સેટેલાઈટની રડારમાં આવી જશે.