ખેડા જિલ્લાના નક્લી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ડૉ. અખીલેશ પાંડેની ખેડા LCBએ દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપીને આજે નડિયાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમા કોર્ટે તેના 29 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા છે. ખેડા LCBની ટીમે ડૉ.અખિલેશ પાંડેની દિલ્લીથી ધરપકડ કરી છે. આરોપીને ઝડપી લેવા માટે LCBએ ફિલ્મી ઢબે છટકું ગોઠવ્યું હતું અને મુખ્ય સૂત્રધાર અખિલેશને ઉત્તરાખંડના દહેરાદુનથી દિલ્હી બોલાવ્યો હતો. દિલ્હી આવ્યા બાદ પોલીસે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.
મહત્વપૂર્ણ છે કે આરોપી અખિલેશ ઉત્તરાખંડના દહેરાદુનથી નકલીનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીની ધરપકડ કર્યા બાદ હવે LCBએ આરોપી અખિલેશના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી. શક્યતા છે કે પોલીસ તપાસમાં માર્કશીટ કૌભાંડમાં મોટા ખુલાસા થઇ શકે છે.
મુખ્ય ભેજાબાજ અખિલેશની ધરપકડ બાદ હવે પોલીસ સમગ્ર કૌભાંડમાં તપાસ શરૂ કરશે. પોલીસ તપાસના મુદ્દાઓ પર નજર કરીએ તો નકલી માર્કશીટ-સર્ટીફીકેટ કૌભાંડમાં કોની કોની સંડોવણી છે ? અત્યાર સુધી મુખ્ય આરોપી અખિલેશ ક્યાં છૂપાયો હતો ? નકલી માર્કશીટ અને સર્ટીફીકેટ કેટલા લોકોને આપ્યા ? નકલી માર્કશીટ-સર્ટીફીકેટ કેટલા રૂપિયામાં કાઢી આપતા હતા ? કેવી રીતે આરોપી નકલી માર્કશીટ-સર્ટીફીકેટ બનાવતો હતો? વગેરે સવાલોના જવાબ મેળવવામાં આવશે.
અત્યાર સુધીની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સર્ટીફીકેટ અને માર્કશીટ કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ અખિલેશ પાંડે છે. અખિલેશ ફોન દ્વારા હરીશ શર્મા પાસે માર્કશીટ બનાવડાવતો હતો. અખિલેશ પાંડે હોટલ મેનેજમેન્ટનો ટ્રેનર છે અને આણંદ-અમદાવાદમાં શિક્ષકની નોકરી પણ કરી ચૂક્યો છે. ભેજાબાજ દિલ્હી અને હરિયાણાના શહેરોમાં શિક્ષક રહી ચૂક્યો છે. અખિલેશ નોકરી વાંચ્છુક યુવાનોને ટાર્ગેટ કરતો હતો અને વિદેશ જવા ઇચ્છતા યુવાનોને નકલી સર્ટીફીકેટ બનાવી આપતો હતો.