ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો તળીયે પહોંચી ગયા છે. નિજ્જરની હત્યા મુદ્દે કેનેડાના આરોપો સામે ભારતે આકરું વલણ અપનાવ્યા પછી હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો સુર બદલાયો છે. ટ્રુડોએ કહ્યું કે, ભારત એક ઊભરતી મહાશક્તિ છે. ભારત સાથે સારા સંબંધો અંગે અમે અત્યંત ગંભીર છીએ. દરમિયાન અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી જયશંકરે કેનેડા ભારત વિરોધી અલગતાવાદ, હિંસા, આતંકવાદનું કોકટેલ બન્યું હોવાનો દાવો કર્યો હતો.
ખાલિસ્તાન મુદ્દે ભારત સાથે સર્જાયેલા રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, કેનેડાના નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યાના વિવાદ છતાં કેનેડા ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવા માટે આતુર છે. કેનેડાના મીડિયા સાથે વાત કરતાં જસ્ટિન ટ્રુડોએ દુનિયામાં ભારતના વધતા કદનો ઉલ્લેખ કરતા કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારતનું કદ સતત વધી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, ભારત ઊભરતી વૈશ્વિક મહાસત્તા છે. એવામાં ભારત સાથે કેનેડા અને તેના સહયોગી દેશો રચનાત્મક અને ગંભીરતા સાથે સંબંધ જાળવી રાખે તે જરૂરી છે. ભારત ઝડપથી વધતી આર્થિક શક્તિ છે અને એક મહત્વની ભૂ-રાજકીય શક્તિ છે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભારત સાથે અમારા સંબંધો ઘણા સારા છે. ટ્રુડોએ આશા વ્યક્ત કરી હતી કે અમેરિકન વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કન ભારતના વિદેશ મંત્રી જયશંકર સાથેની મુલાકાતમાં નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવશે.
દરમિયાન અગ્રણી ભારતીય-અમેરિકનોના એક જૂથે કેનેડામાં હિન્દુઓ વિરુદ્ધ હેટ ક્રાઈમ અને નફરતપૂર્ણ વાતાવરણની ટીકા કરી છે અને ટ્રુડો સરકારને કહ્યું છે કે તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાને આતંકથી આઝાદી સાથે ના ભેળવે અને આ મુદ્દે ચૂપ રહીને હેટ ક્રાઈમને સમર્થન ના આપે. ખાલિસ્તાન સમર્થક જૂથનો વાંધાજનક વીડિયો વાયરલ થયા પછી ભારતીય મૂળના અમેરિકનોનું જૂથ આગળ આવ્યું છે. વાયરલ વીડિયોમાં હિન્દુઓને કેનેડા છોડી દેવા ધમકી અપાઈ છે.
ભારતીય-અમેરિકોએ કેનેડામાં હિન્દુઓને સુરક્ષા પૂરી પાડવાની માગણી કરી છે. તેમણે કહ્યું કે, ખાલિસ્તાની આતંકીઓ કેનેડાની ધરતી પર મંદિરોને નુકસાન પહોંચાડી રહ્યા છે અને વારંવાર હિન્દુઓને ધમકી આપી રહ્યા છે તે ચિંતાજનક છે. ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝના ખાંડેરાવ કાંડે કહ્યું કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કટ્ટરવાદી તત્વોને રોકવા જોઈએ અને કૂટનીતિકરૂપે આંતરરાષ્ટ્રીય સ્થિતિઓ સંભાળવી જોઈએ.
દરમિયાન ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર અમેરિકાના પાંચ દિવસના પ્રવાસે છે. તેમણે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં ફરી એક વખત કેનેડાની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, કેનેડાએ પહેલા વ્યક્તિગત સ્તરે અને પછી જાહેરમાં આરોપ લગાવ્યા છે. તેમના આરોપ નિરાધાર છે. અમે કેનેડા પાસેથી પુરાવા માગ્યા છે. અમે પુરાવાની રાહ જોઈ રહ્યા છીએ. કેનેડા પુરાવા આપશે તો અમે તેના પર ધ્યાન આપીશું.
જયશંકરે ઉમેર્યું કે કેનેડા એક એવો દેશ બની ગયો છે જ્યાં ભારતમાં સંગઠિત ગૂનામાં સંડોવાયેલા લોકો આશરો મેળવી રહ્યા છે. સાથે જ માનવ તસ્કરી, અલગતાવાદ, હિંસા અને આતંકવાદનું કોકટેલ ચરમ પર છે. આ એક રીતે આ મુદ્દા અને લોકોનું ટોક્સિક કોમ્બિનેશન બની ગયું છે, જેને કેનેડામાં પૂરતી તકો મળી રહી છે. આ સાથે જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કન સાથે પણ બેઠક કરી હતી, જેમાં નિજ્જરની હત્યાનો મુદ્દો ચર્ચાયો હતો.
કેનેડા હત્યારાઓનો ગઢ બન્યું ઃ બાંગ્લાદેશ
નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના કારણે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે તેવા સમયમાં બાંગ્લાદેશે પણ કેનેડાની પ્રત્યાર્પણ નીતિઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમને દાવો કર્યો હતો કે કેનેડા હત્યારાઓનું કેન્દ્ર બન્યું છે. હત્યારા કેનેડા જઈ શકે છે અને આશરો લઈ શકે છે તતા તેઓ એક વૈભવી જીવન જીવી શકે છે. અબ્દુલ મોમને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર્રહમાનના હત્યારા નૂર ચૌધરીના પ્રત્યાર્પણનો કેનેડાએ ઈનકાર કરી દીધો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, અમારું ન્યાયતંત્ર એકદમ સ્વતંત્ર છે અને સરકાર તેમાં દખલ નથી કરી શકતી, પરંતુ નૂર ચૌધરીને આજીવન કેદની સજા મળવાની સંભાવના છે. તેમણે દાવો કર્યો કે માનવાધિકારની અવધારણાનો અનેક લોકો દ્વારા દુરુપયોગ કરાઈ રહ્યો છે અને તે હત્યારાઓ તથા આતંકીઓને બચાવવા માટેનું બહાનું બની જાય છે.