અમદાવાદ શહેરની વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. જેની સાથે અમદાવાદ ફાયર બ્રિગેડનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આધુનિક સાધનો સાથેના અમદાવાદ ફાયર બ્રિગેડના સાધનોમાં જ મોનિટરિંગ માટેના જીપીએસ સિસ્ટમ નથી. જે સિસ્ટમ લાગુ કરવા માટે રહી રહીને જાગેલા અમદાવાદ ફાયર બ્રિગેડે કોર્પોરેશનમાં પ્રપોઝલ આપ્યું છે. તે પણ વડોદરા ના ફાયર સ્ટેશન અને ફાયર સુવિધા માંથી શીખ લઈને.
હાઇટેક સાધનો સાથેનું અમદાવાદ ફાયર બ્રિગેડ સજ્જ છે. કોઈપણ આપાતકાલીન ઘટના બને તો ગુજરાતમાં અમદાવાદ ફાયર બ્રિગેડની કામગીરીના વખાણ થાય, કારણ કે અમદાવાદ ફાયર બ્રિગેડની કામગીરી એવી છે.તેમાં પણ અમદાવાદ ફાયર બ્રિગેડ દિવસ ને દિવસે હાઈ ટેક બની રહ્યું છે. કારણ કે અમદાવાદ ફાયર બ્રિગેડમાં નવા સાધનો વસાવામાં આવી રહ્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે મોનીટરિંગ કરવા માટે કોઈપણ સિસ્ટમ નથી.
અમદાવાદ ફાયર બ્રિગેડ માત્ર કંટ્રોલરૂમ આધારે જ ચાલી રહ્યું છે, પરંતુ કોઈ ખાસ ટેકનોલોજી તેની પાસે નથી. આ જ કારણ છે કે જ્યારે જ્યારે કોઈ ઘટના બને ત્યારે અમદાવાદ ફાયર બ્રિગેડ સ્થળ પર મોડી પહોંચ્યા હોવાના આક્ષેપો ઉઠે છે. આવા સમયે ફાયર બ્રિગેડ કોઈપણ પુરાવા રજુ નથી કરી શકતું. બસ આ જ વાત ધ્યાન રાખીને અને અમદાવાદ ફાયર બિગેડ વધુ આધુનિક બને તેને ધ્યાને રાખીને ફાયર બ્રિગેડ કોર્પોરેશનને તેમના વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા માટે પ્રપોઝલ આપ્યું છે.
હવે જો અમદાવાદ ફાયર બ્રિગેડ ટેકનોલોજીમાં આગળ વધે તો તે બીજા નંબરે આવશે. કારણ કે વડોદરા ફાયર બ્રિગેડે અમદાવાદ ફાયર બ્રિગેડ પહેલા એક આધુનિક ટેકનોલોજી સાથે કામગીરી શરૂ કરી છે. તે છે જીપીએસ મોનિટરિંગ સિસ્ટમ. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા એક આધુનિક કંટ્રોલરૂમ બનાવ્યો છે. તેમજ ફાયર બ્રિગેડના વાહનોમાં જીપીએસ સિસ્ટમ, સીસીટીવી કેમેરા સાથે જ વાહનોની અંદર પાણીનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટેની મશીનરી પણ લગાવી છે.
આ તમામ મશીનરી નો કંટ્રોલ આધુનિક કંટ્રોલરૂમ માંથી રખાય છે. જેથી કરીને કોઈ પણ ઘટના બને તો સ્થળ પર GPS આધારે ઝડપી રિસ્પોન્સ આપી શકાય, CCTV થી નજર રાખી શકાય અને પાણીના મશીન થી વાહનોમાં પાણી કેટલું છે અને આસપાસના વિસ્તારમાં પાણી ક્યાંથી લઈ શકાય તે તમામ બાબતોનું મોનિટરિંગ કરી ઘટનાને પહોંચી વળીને લોકોના જીવ બચાવી શકાય. બસ આ બાબતની ચૂક અમદાવાદ ફાયર બ્રિગેડને રહી ગઈ અને હવે રહી રહીને પ્રપોઝલ કરીને આ ટેકનોલોજી વસાવવા માટે કોર્પોરેશનને જાણ કરી છે.
અમદાવાદ ફાયર બ્રિગેડના ઓફિસરનું માનવુ છે કે આ સિસ્ટમથી અમદાવાદ ને ઘણો ફાયદો થશે. અને અગાઉ બનેલી ઘટનાઓ કે જેમાં ફાયર બ્રિગેડ મોડી પહોંચી અને તેના કારણે કોઈ વ્યકિતએ જીવ ગુમાવ્યો છે. જેવા આક્ષેપો થયા છે એવા આક્ષેપો પણ નહીં ઊઠે.
ફાયર બ્રિગેડના મુખ્ય વાહનોમાં લગાવાશે GPS સિસ્ટમ, જેમાં મીની ફાયર ફાઇટર 10, મોટા ફાઇટર 10, ઇમરજન્સી ટેન્ડર 16, 08 હજાર લીટર વોટર ટેન્કર 06, 10 હજાર લીટર ટેન્કર 16, 12 હજાર લીટર ટેન્કર 06 અને 20 હજાર લીટર ટેન્કર 25. આમ કુલ 200 કરતા ઉપર વાહનોમાંથી 70 થી વધુ વાહનોમાં આ સિસ્ટમ ફીટ કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં એએમટીએસ બસ તેમજ બીઆરટીએસ બસ પણ ચાલી રહી છે. જે બસોમાં GPS સિસ્ટમ સાથે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જેના થકી અકસ્માતો ની ઘટના અને બસોના મોનિટરિંગમાં સરળતા રહે છે. પરંતુ આ જ કોર્પોરેશનના સૌથી મહત્વના એવા ઇમરજન્સી વિભાગ એવા અમદાવાદ ફાયર બ્રિગેડને જ GPS સિસ્ટમ માં લેવાનું કોર્પોરેશન ભૂલી ગયું. કેટલા વાગે વાહન સ્ટેશનથી નીકળ્યું અને સ્થળ પર પહોંચ્યું તેનો ડેટા પણ મેઈન્ટેઈન નથી થયો. ત્યારે આ સિસ્ટમથી આવા અનેક ફાયદા ફાયર બ્રિગેડને થશે તેવું અધિકારીઓ માની રહ્યા છે.