છેલ્લા બે દાયકામાં અમીરોની સંપત્તિ ચાર ગણી ઝડપથી વધી રહી છે જ્યારે ગરીબોની ઘટી રહી છે. સંશોધનકર્તાએ આ હાલતને ખુબ જ ગંભીર અને ચિંતાજનક બતાવ્યો છે. ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સર્વિસ અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ના સંયુક્ત રિસર્ચમાં આ ખુલાસો થયો છે. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે ભારતમાં અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં 2020માં 102 અબજોપતિ હતા જ્યારે 2022માં વધીને 166 થઈ ગયા છે.
20 ટકા લોકોની સંપત્તિમાં 61 ટકાનો વધારો
આ વર્ષે જ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વર્ષ 2012થી 2021ની વચ્ચે સર્જાયેલી સંપત્તિની 40 ટકાથી પણ વધુ સંપત્તિ તો માત્ર એક ટકાને જ મળી છે. ગરીબી અને અસમાનતા પાર્ટનરશીપના ઑસ્ટ્રેલિયામાં અસમાનતા 2023ના રિપોર્ટ અનુસાર વર્ષ 2003થી 2022ની વચ્ચે સૌથી ધનિક 20 ટકા લોકોની સંપત્તિમાં 82 ટકાનો વધારો થયો છે. સૌથી અમીર પાંચ ટકા લોકોની સંપત્તિમાં 86 ટકાનો વધારો થયો છે. ગરીબ અને અમીર વચ્ચેના 20 ટકા લોકોની સંપત્તિમાં 61 ટકાનો વધારો થયો છે જ્યારે ગરીબોની સંપત્તિનો ગ્રાફ માત્ર 20 ટકા જ રહ્યો છે.
ભારતમાં અસમાનતા વધી રહી છે
ભારતમાં પણ છેલ્લા વર્ષોમાં અસમાનતા ઝડપથી વધી રહી છે. તાજેતરમાં જ સમાજ સેવા સંસ્થા ઓક્સફેમે (Oxfam) જાહેર કરેલા એક રિપોર્ટ અનુસાર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક ભારત હકિકતમાં વિશ્વમાં સૌથી વધુ અસમાનતા ધરાવતા દેશોમાં સામેલ છે. આ રિપોર્ટ મુજબ ભારતના સૌથી અમીર 10 ટકા લોકો પાસે 77 ટકા સંપત્તિ છે. દેશમાં વર્ષ 2017માં સર્જાયેલી સંપત્તિના 73 ટકા સંપત્તિ માત્ર એક ટકા લોકોને મળી હતી જ્યારે નીચલા વર્ગના 67 કરોડ લોકોની સંપત્તિમાં માત્ર એક ટકાનો જ વધારો થયો હતો. દેશમાં વર્ષ 2021માં 40.5 ટકા સંપત્તિ માત્ર એક ટકા જ લોકો પાસે હતી. વર્ષ 2021-22માં જ્યારે મહામારી દરમિયાન અમલમાં મૂકાયેલા વિશેષ પગલાં હટાવવામાં આવ્યા ત્યારે ગરીબોની આવકમાં ફરી ઘટાડો થયો હતો. સૌથી ગરીબ 20 ટકાની આવકમાં 3.5 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે સૌથી અમીર 20 ટકા લોકોની આવકમાં માત્ર 0.1 ટકાનો જ ઘટાડો જોવા મળ્યો હતો.