પેલેસ્ટાઇનનો ઉગ્રવાદી સંગઠન હમાસના હુમલા બાદ દુનિયાના ઘણા દેશ ઇઝરાયેલના પક્ષમાં ઉભા છે. પરંતુ ઇઝરાયેલના જ એક સાંસદે આ ઘટના માટે પ્રધાનમંત્રી નેતન્યાહૂની નીતિઓને જવાબદાર ગણાવ્યા છે. ડાબેરી સાંસદ ઓફર કાસિફે કહ્યું કે આ બાબતે ચેતવણી આપી હતી કે જો નેતન્યાહૂ સરકાર પેલેસ્ટાઈન પ્રત્યે પોતાની નીતિઓ નહીં બદલે તો આવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ઓફર કાસિફ ઇઝરાયેલના ડાબેરી પક્ષનું ગઠબંધન હદાશનો ભાગ છે. જેમાં ઈઝરાયેલી કમ્યુનિસ્ટ પાર્ટી સિવાયના અન્ય પક્ષ પણ સામેલ છે. ઇઝરાયેલની સંસદ- નેસેટમાં આ ગઠબંધનના ચાર સદસ્ય છે. સાંસદ ઓફર કાસિફને પ્રધાનમંત્રી નેતન્યાહૂના આલોચક માનવામાં આવે છ
આંતરરાષ્ટ્રીય મીડિયા નેટવર્ક અલજજીરા સાથે વતચીત કરતા કાસિફે જણાવ્યું હતું કે, નિર્દોષ લોકો પર કોઈપણ પ્રકારના હુમલાની અમે નિંદા કરીએ છીએ. તેમજ ઇઝરાયેલી સરકાર સામે પેલેસ્ટાઇનના નાગરિકો પર થતા હુમલાનો પણ અમે વિરોધ કરીએ છીએ. અમારે આ પ્રકારના હુમલાની યોગ્ય તપાસ કરવી જરૂરી છે.
પેલેસ્ટાઇનના નરસંહારનું સમર્થન કરે છે સરકાર
ઓફર કાસિફે ઈઝરાયેલી સરકારને એક ફાંસીવાદી સરકાર કહી હતી, સાથે એવું પણ કહ્યું કે આ સરકાર પેલેસ્ટાઇન સામેના યુદ્ધમાં નરસંહારને સમર્થન આપે છે. નેતન્યાહૂને માત્ર પોતાની જ ચિંતા છે અને તે જેલની બહાર રહેવા માંગે છે. અલજઝીરા અનુસાર, નેતન્યાહુ વિરુદ્ધ ઈઝરાયેલમાં ઘણા કેસ નોંધાયેલા છે. તેમની વચ્ચે છેતરપિંડી અને ભ્રષ્ટાચાર જેવા મામલા પણ છે.
7 ઓક્ટોબરે ગાઝા પટ્ટી પરથી હમાસે જે રીતે ઇઝરાયેલ પર હુમલો કર્યો છે તેનાથી પૂરી દુનિયાને આંચકો લાગ્યો છે. કોઈને પણ આ પ્રકારના અચાનક અને મોટા હુમલાની અપેક્ષા હતી નહી. આ હુમલામાં અત્યાર સુધીમાં 800 ઈઝરાયેલના લોકોના મોત થયા છે. તે જ સમયે, ઇઝરાયેલની જવાબી કાર્યવાહીમાં ગાઝા પટ્ટીમાં લગભગ 500 લોકો માર્યા ગયા છે. આ અણધાર્યા હુમલા બાદ દાયકાઓથી ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે.
આ હુમલા દરમિયાન હમાસે ઘણા ઈઝરાયેલ નાગરીકોને પણ બંધક બનાવ્યા હતા. હવે હમાસે દાવો કર્યો છે કે તે બંધકો સાથે માનવીય વર્તન કરશે. અહીં, ઇઝરાયેલની સેનાએ કહ્યું છે કે ગાઝામાં હમાસના આતંકી ઠેકાણાને નિશાન બનાવવામાં આવી રહી છે.