માણસા : માણસા તાલુકાના ગાંધીનગરમાં મહુડી રોડ પર આવેલ દેલવાડ ગામની સીમમાં નટરાજ હોટલની બહાર પાકગમાં ગઈકાલે રાત્રે બે યુવકો હાલમાં ચાલી રહેલ આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની લાઈવ મેચ પર મોબાઈલ વડે ઓનલાઇન ક્રિકેટ ના હારજીત ના સોદા લઈ સટ્ટો રમાડી રહ્યા હોવાની ગાંધીનગર એલસીબી પોલીસને બાતમી મળતા તેમણે આ જગ્યા પર જઈ સટ્ટો રમાડી રહેલા માણસા ના બે ઈસમોને ૪૨ હજારથી વધુ ના મુદ્દામાલ સાથે ઝડપી આ બંને ઉપરાંત તેમને ઓનલાઇન સટ્ટો રમાડવા માટે આઈડી અને પાસવર્ડ આપનાર ઈસમ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર એલસીબીને ચોક્કસ પાકી બાતમી મળી હતી કે માણસા તાલુકાના ગાંધીનગર મહુડી હાઇવે રોડ પર આવેલ નટરાજ હોટલ ની બહાર પાકગમાં બે ઈસમો હાલમાં ચાલી રહેલ આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ ની મેચમાં લાઈવ ક્રિકેટ મેચ પર હારજીતના સટ્ટાના સોદા કરી રૃપિયાની લેતી દેતી કરી જુગાર રમાડી રહ્યા છે જે બાતમી આધારે એલસીબી ની ટીમ પંચો સાથે ખાનગી વાહનમાં નટરાજ હોટલ પાસે આવી જોતા અહીં પાકગમાં બે યુવકો મોબાઇલમાં વ્યસ્ત હોવાનું જણાવતા બંનેની પૂછપરછ કરતાં તેમણે પોતાનું નામ ચિરાગ વિષ્ણુભાઈ પટેલ અને વિમલ ગોવિંદભાઈ પટેલ બંને રહે,ગોવર્ધનનગર સોસાયટી,વલ્લભ નગર પાસે માણસા હોવાનું જણાવ્યું હતું અને તેમની પાસેથી પોલીસે અંગ ઝડતી દરમિયાન ત્રણ મોબાઇલ મળી આવ્યા હતા.
જેની તપાસ કરતા તેમના મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડવા માટેની એપ્લિકેશન મળી આવતા પોલીસે વધુ તપાસ કરતા હાલમાં ચાલી રહેલ આઇપીએલ ૨૦-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ મેચનો લાઇવ ક્રિકેટ નો સટ્ટો રમાડતા હોવાનું માલુમ પડતા પોલીસે વધુ પૂછપરછ કરતા આ બંનેએ જણાવ્યું હતું કે તેઓ ભાગીદારીમાં ક્રિકેટના સટ્ટાની સાઈટ પર આઈડી અને પાસવર્ડ વડે મેચના હારજીતના સોદાના સટ્ટા રમાડે છે અને તેમાંથી મળતો નફો બંને ભાગીદારો સરખા ભાગે વહેંચી લેતા હતા અને તેમને આ સટ્ટા માટેની આઈડી અને પાસવર્ડ માણસા તાલુકાના પાટણપુરા ગામે રહેતા અભય ઉર્ફે અભી પટેલ પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે બંને આરોપી પાસેથી ૪૦,૦૦૦ રૃપિયા ની કિંમતના ત્રણ મોબાઇલ અને ૨૧૫૦ રૃપિયાની રોકડ રકમ મળી કુલ ૪૨,૫૦૦ નો મુદ્દા માલ કબજે કરી ત્રણે આરોપી વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.