પેલેસ્ટાઈન (Palestinians)નું આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ (Israel-Hamas War) ચાલી રહ્યું છે, જેને ધ્યાને રાખી ભારતે રાજદ્વારીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓ સહિત ઈઝરાયેલી નાગરિકોની સુરક્ષા માટે દેશભરમાં એલર્ટ જારી કર્યું છે. આ એલર્ટની માહિતી સંબંધિત સુરક્ષા એજન્સીઓ અને પોલીસને આપી દેવાઈ છે. એલર્ટમાં કેટલાક સ્થળો પર મજબુત સુરક્ષાનું પણ કહેવાયું છે. ઉપરાંત જ્યાં ઈઝરાયેલી નાગરિકોનું આગમન વધુ છે, તે જગ્યાએ પણ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.
એલર્ટમાં ઓક્ટોબરના યહુદી તહેવારોનો પણ ઉલ્લેખ
એલર્ટમાં ઓક્ટોબરના યહુદી તહેવારો (Jewish Festival)નો પણ ઉલ્લેખ કરાયો છે અને તેમાં સુરક્ષા પુરી પાડવાની જરૂર હોવાનું પણ જણાવાયું છે. એક અધિકારીના જણાવ્યા મુજબ ઈઝરાયેલ-હમાસના યુદ્ધને ધ્યાને રાખી ઈઝરાયેલી મિશનો, રાજદ્વારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, વ્યવસાયિક સંસ્થાઓ, ચબાડ હાઉસ, યહૂદી સામુદાયિક કેન્દ્ર પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવા સૂચન કરાયું છે. ઉપરાંત વિવિધ ઈઝરાયેલી પ્રવાસી સ્થળો, ઈઝરાયેલી પ્રતિનિધિમંડળો, કોષેર રેસ્ટોરન્ટ, સંગ્રહાલયો, સ્કૂલો, રિસોર્ટ અને અન્ય મુખ્ય વિસ્તારોની સુરક્ષા વધારવા પણ જણાવાયું છે.
તમામ રાજ્યોને એલર્ટ મોકલાયું
અધિકારીઓને અન્ય જરૂરી વ્યવસ્થાઓ ઉપરાંત જરૂરી સુરક્ષા કર્મચારીઓને પણ તૈનાત કરવા જણાવાયું છે. કર્મચારીઓને નિર્દેશ આપવાની સાથે કોઈપણ ઘટનાથી બચવા સાવધાન રહેવા જણાવાયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ તમામ રાજ્યોને એલર્ટ મોકલી દેવાયું છે.
ગાઝાના 11 લાખ લોકોને ત્યાંથી ખસી જવા આદેશ
બીજીતરફ સંયુક્ત રાષ્ટ્રના એક પ્રવક્તાએ કહ્યું કે, ઈઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝાના 11 લાખ લોકોને 24 કલાકની અંદર ત્યાંથી ખસી જવા આદેશ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે, આ આદેશથી વિનાશકારી પરિણામો સામે આવવાનો ખતરો વધી ગયો છે.