કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. છેલ્લાં બે જ મહિનામાં કેનેડાના એન્ટારિયો પ્રાંતમાં છ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે અને ત્રણ મંદિરોમાં ચોરી થઈ છે. ૨૦૨૧થી અત્યાર સુધીમાં મંદિરોમાં ચોરીની ૧૮ ઘટનાઓ બની છે. આ આરોપોમાં માત્ર ત્રણની ધરપકડ કરવામાં આવી છે. એ સિવાયના કોઈ આરોપીઓ સામે કાર્યવાહી થઈ નથી.
ઓન્ટારિયો પ્રાંતની પોલીસના ડેટા પ્રમાણે સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં છ હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટના બની છે. બે મહિનામાં તોડફોડની જેટલી ઘટના એક પ્રાંતમાં બની છે એવી જ ઘટનાઓ અન્ય પ્રાંતોમાં પણ બની હોવા છતાં એ મામલે ખાસ કોઈ જ કાર્યવાહી થઈ નથી. આઠ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં જ ત્રણ મંદિરોમાં આવી ઘટનાઓ બની ચૂકી છે. તે સિવાય મંદિરોની દાનપેટી, ઘરેણાં ચોરી જવાની ઘટનાઓ પણ વધતી જાય છે.
હિન્દુ મંદિરોને નિશાન બનાવવા ઉપરાંત ભારતીયોને પણ કેનેડામાં નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. અહેવાલો પ્રમાણે કેનેડામાંથી દર મહિને સરેરાશ પાંચથી આઠ ભારતીયોના મૃતદેહ કેનેડાથી દેશમાં આવે છે. એ તમામની હત્યા કરવામાં આવે છે. ભારતીયો પર કેનેડામાં હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે. એ બાબતે ભારત સરકારે કેનેડાને વારંવાર રજૂઆત કરવા છતાં હુમલાખોરો પ્રત્યે વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો કૂણું વલણ ધરાવે છે અને આવી ગુનાખોરી તરફ આંખ આડા કાન કરે છે. જેમની હત્યા થાય છે તેમાં વર્ક પરમિટ ધરાવતા ભારતીય નાગરિકો અથવા તો સ્ટૂડન્ટ વિઝા પર જતાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છે. ભારતીયોના મૃત્યુના કારણોમાં આપઘાત, હત્યા, શંકાસ્પદ ઝેરી દવા, અકસ્માતો, ડૂબી જવાથી કે હાર્ટ એટેક આવવાથી મોત થયાનું કહેવાય છે.
બીજી તરફ ખાલિસ્તાનીઓને ઘરમાં આશરો આપનારા ભારતીય નાગરિકને કેનેડાએ વિઝા આપ્યાં છે. ૧૯૮૨થી ૧૯૯૨ દરમિયાન જ્યારે ખાલિસ્તાનની માગણીનું આંદોલન પૂર જોશમાં ચાલતું હતું ત્યારે પંજાબમાં રહેતા કમલજીત રામે તેના ફાર્મ હાઉસમાં ઘણાં ખાલિસ્તાની અલગતાવાદીઓને આશરો આપ્યો હતો. ઈમિગ્રેશન ટ્રિબ્યૂનલે એ માણસને કેનેડામાં રહેવાની પરવાનગી આપતા કહ્યું હતું કે કેનેડાની સરકારે તેને વિઝા આપવાની ભલામણ કરી હતી અને કહ્યું હતું કે તેના પર બદલાનું જોખમ હોવાથી કેનેડામાં રહેવાની પરવાનગી આપવી જોઈએ.