ઉત્તર ગાઝા પટ્ટીથી સામાન્ય નાગરિકો દક્ષિણ તરફ આગળ ધપી રહ્યા છે. તેમાં હજારો ગાઝાવાસી રાફા બોર્ડર પાર કરી ઈજિપ્તમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન યુદ્ધવિરામના અહેવાલો વચ્ચે હજારો ગાઝાવાસી રાફા સરહદે પહોંચતા ઈઝરાયલે યુદ્ધવિરામના અહેવાલો ફગાવી દીધા હતા.
ઈઝરાયલે શું કહ્યું?
ઈઝરાયલે એ રિપોર્ટને રદીયો આપ્યો હતો કે તે ગાઝાના નિવાસીઓને ઈજિપ્તમાં ભાગવા દેવા માટે યુદ્ધવિરામ પર સહમત થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે એવા અહેવાલો ફરતા થયા હતા કે ઈઝરાયલ, અમેરિકા અને ઈજિપ્ત એક યુદ્ધવિરામની યોજના પર સહમત થયા છે. તે હેઠળ ઈઝરાયલ હુમલા અટકાવશે અને ઈજિપ્ત ગાઝાના નાગરિકોના નીકળવા માટે સરહદ ખોલી દેશે.
ઈઝરાયલે કરી છે ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન કરવાની તૈયારી કરી રાખી છે. પરંતુ હવામાનને કારણે આ કાર્યવાહી હાલ પૂરતી અટકાવાઈ હોવાની માહિતી છે. આ દરમિયાન તેણે ઉત્તર ગાઝાના 10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાને દક્ષિણ તરફ ખસી જવા કહ્યું હતું. જેના બાદ સંયુક્ત રાષ્ટ્ર સહિત વિશ્વભરના દેશોએ ઈઝરાયલની આકરી ટીકા કરી હતી.