ઈઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે એક મોટા અહેવાલ મળી રહ્યા છે. મંગળવારે મોડી રાતે ગાઝા પટ્ટીમાં અલ અહલી અરબ હોસ્પિટલ ખાતે ઈઝરાયલી સૈન્યના કથિત રૂપે બોમ્બમારામાં (Israel Gaza War) ઓછામાં ઓછા 500 લોકોના મોતના અહેવાલ છે. ગાઝામાં સત્તારુઢ હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ આ માહિતી આપી હતી.
ઈઝરાયલને આરોપ નકાર્યા
તેમણે કહ્યું કે હોસ્પિટલની ધ્વસ્ત ઈમારતોના કાટમાળ (Israel attack on Hospital) હેઠળ હજુ ઘણાં લોકો દટાયેલા હોવાની આશંકા છે. જોકે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) આ હુમલો તેણે કર્યા હોવાના અહેવાલને નકારી રહી છે અને તેણે હોસ્પિટલ પર હુમલા માટે હમાસના રોકેટ મિસફાયર થયાનો દાવો કરીને આરોપોને નકારી કાઢ્યા છે.
બેન્જામિન નેતન્યાહૂ શું બોલ્યાં?
આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે હમાસનો રોકેટ મિસફાયર થતાં હોસ્પિટલ નિશાને આવી ગઈ હતી અને તેના પગલે જ આટલી મોટી સંખ્યામાં મૃત્યુ થયા હતા. તેમણે આરોપોને નકારતાં કહ્યું કે અમે કોઈ હોસ્પિટલને નિશાન બનાવી નથી.
WHOએ હુમલાની આકરી ટીકા કરી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ અદનોમ ગેબ્રેસિયસે ગાઝામાં હોસ્પિટલ પર ઈઝરાયલના હવાઈ હુમલાની આકરી ઝાટકણી કાઢી હતી. આ ઈઝરાયલ દ્વારા સૌથી મોટો હુમલો હતો. તેમણે કહ્યું કે પ્રાથમિક અહેવાલોમાં સેંકડો લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ સાથે ઈજિપ્ત, તૂર્કી સહિત અનેક મુસ્લિમ દેશોએ આ હુમલાને વખોડ્યો હતો.