ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવા અંગે વેદાંતા ગ્રૂપે જણાવ્યું કે, કંપની તેની યોજના પર અડગ છે. પ્લાન્ટની સ્થાપના અંગે જાપાનની ટેક કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. વેદાંતાના સેમિકન્ડક્ટર, ડિસ્પ્લે યુનિટના ગ્લોબલ મેનેજિંગ ડિરેક્ટર આકર્ષ હેબ્બરે જણાવ્યું છે કે, ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં રોકાણ કરવા ઇચ્છુક કંપનીઓ માટે આ $80 બિલિયનની મોટી તક છે.
જાપાનની કંપનીઓને વેદાંતા સાથે મળીને કામ કરવા આમંત્રણ
આકર્ષ હેબ્બરે આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટના સંદર્ભમાં જાપાનમાં આયોજિત રોડ શોમાં ભાગ લઈ રહ્યા હતા. વેદાંતા દ્વારા જણાવવામાં આવ્યું કે, હેબ્બરે ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે પ્લાન્ટ સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.
અનેક લોકોને રોજગારી આપશે
તેઓએ જાપાનની કંપનીઓને ભારતના ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ સેન્ટર બનાવવા માટે વેદાંતા સાથે મળીને કામ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. હેબ્બરે કહ્યું કે, આ ઉત્પાદન કેન્દ્ર અનેક લોકોને રોજગારી આપશે અને નાની અને મધ્યમ કંપનીઓને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે.
રોકાણ કરવાની આ $80 બિલિયનની તક
આકર્ષ હેબ્બરે જણાવ્યું કે, કંપનીઓ માટે આ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેન્ટરમાં આવવા અને રોકાણ કરવાની આ $80 બિલિયનની તક છે. વેદાંતા ભારતમાં રોકાણ કરવા ઈચ્છતી જાપાનીઝ કંપનીઓ માટે ફેસિલિટેટર તરીકે કામ કરશે. વેદાંતા ગૃપ દ્વારા ગયા વર્ષે ગુજરાતમાં $19.5 બિલિયનના જંગી રોકાણની જાહેરાત કરી હતી.
ફોક્સકોને આ વેન્ચરમાંથી પીછેહઠ કરવાની જાહેરાત કરી
વેદાંતાએ તાઈવાનની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફોક્સકોન કંપની સાથે ભાગીદારીમાં જોઈન્ટ વેન્ચરની પણ સ્થાપના કરી હતી. પરંતુ ત્યારબાદ ફોક્સકોને આ વર્ષે આ વેન્ચરમાંથી પીછેહઠ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વેદાંતાએ કહ્યું હતું કે, તે તેની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યોજના સાથે આગળ વધશે અને નવા ભાગીદારની શોધ ચાલુ રહેશે. પરંતુ હજુ સુધી વેદાંતાને કોઈ નવા પાર્ટનર મળ્યા નથી.