ઈઝરાયેલ-હમાસ યુદ્ધ નો આજે 12 દિવસ છે. હજુ પણ બંને દેશો દ્વારા ખુંવારી સર્જાઈ રહી છે અને હાલ ગાઝા (Gaza) સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે ગાઝા પટ્ટીમાં હોસ્પિટલ પર હુમલામાં 500થી વધુના મોત થયા બાદ વિશ્વભરના લોકો આ બર્બરતાની ટીકા કરી રહ્યા છે. આ હુમલાને લઈ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ બંને દેશો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે.
હોસ્પિટલ હુમલાને લઈ પેલેસ્ટાઈલ-ઈઝરાયેલનો એકબીજા પર આરોપ
આ હોસ્પિટસ પર ઈઝરાયેલે બોંબમારો કર્યો હોવાનો પેલેસ્ટાઈન આરોપ લગાવી રહ્યો છે, તો ઈઝરાયેલનો દાવો છે કે, પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદે છોડેલું રોકેટ મિસફાયર થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. હવે આ હુમલાને લઈને હમાસની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. હમાસે કહ્યું કે, લોહીનું એક ટીપું પણ વ્યર્થ નહીં જવા દઈએ. એટલું જ નહીં હમાસે સાઉદી અરેબિયા (Saudi Arabia) સહિત તમામ ઈસ્લામિક દેશો (Islamic Countries)ને અપીલ કરી છે કે, ગાઝાની હોસ્પિટલ પર થયેલ હુમલાને નજરઅંદાજ ન કરવામાં આવે.
હમાસના નેતાએ શું કહ્યું ?
પેલેસ્ટાઈના આતંકવાદી સંગઠન હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહે કહ્યું કે, સાઉદી અરેબિયામાં 18 ઓક્ટોબરે યોજાનાર ઈસ્લામિક કાઉન્સિલની બેઠક (Islamic Council Meeting)માં જે અમારા ભાઈઓ મળશે, તેમણે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ, તેમના નિવેદનો મજબૂત હોવા જોઈએ, સ્થિતિ પણ સ્પષ્ટ હોવી જોઈએ. અમને થોડા સમય માટેનું સમાધાન જોઈતું નથી.
વિશ્વભરના લોકો રસ્તાઓ પર આવી અવાજ ઉઠાવે : હમાસ નેતા
ઈસ્માઈલ હનીયેહે કહ્યું કે, અમને સાઉદી અરેબિયા અને તમામ આરબ અને ઈસ્લામી દેશો પર વિશ્વાસ છે. અમને વિશ્વાસ છે કે, આ લોહી વ્યર્થ નહીં જાય, આ શિખર સંમેલન ગાઝા હુમલાને નજરઅંદાજ નહીં કરે. હું આરબ અને ઈસ્લામીક દેશોના તમામ લોકોને અપીલ કરું છું કે, તેઓ આ નરસંહાર, આ ક્રુરતા, આ ગુનાઓની ટીકા કરવા બહાર નિકળે, તમામ રાજધાનીઓ, તમામ શહેરોમાં નિકળે. દુશ્મનને રોકવા પોતાનો અવાજ ઉઠાવે. આપણે એક સાથે ઉભુ થયું જોઈએ. અમે ઈતિહાસ લખી રહ્યા છીએ, જે આપણા લોકો અને રાષ્ટ્ર માટે ગૌરવનું આગામી પેજ હશે.
અમે અમારી જમીન નહીં છોડીએ : પેલેસ્ટાઈનની રાષ્ટ્રપતિ
પેલેસ્ટાઈને પણ હોસ્પિટલ પર હુમલા અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે (Palestine President Mahmoud Abbas) કહ્યું કે, અમારા લોકો પોતાની માતૃભૂમિ પર અડગ રહેશે, અમે નહીં છોડીએ. તેમણે કહ્યું કે, હોસ્પિટલ થયેલો હુમલો ભયાનક યુદ્ધ નરસંહાર છે, જેને ક્યારેય નજરઅંદાજ ન કરી શકાય. જવાબદારને ન છોડવા જોઈએ. તેમણે કહ્યું કે, અમારા લોકોની સુરક્ષા માટે ઘણા આંતરરાષ્ટ્રીય નિર્ણયો લેવાયા છે, જોકે તેને લાગુ કરાયા નથી, કારણ કે તેને અમેરિકા લાગુ કરવા માંગતો નથી. અમારા લોકો પર થતી બર્બરતા રોકવી જોઈએ અને આ ગુનાઓનો અંત થવો જોઈએ.