ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં ગાઝામાં હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકોના મોત થયા હોવાનો હમાસના દાવા બાદ તહેરાનમાં ઈઝરાયેલ વિરોધી એક રેલી નીકળી હતી અને તેમાં હજારો લોકો જોડાયા હતા.
આ રેલીમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ ઈઝરાયેલને નવેસરથી ધમકી આપતા કહ્યુ હતુ કે, હોસ્પિટલ પર હુમલા બાદ ઈઝરાયેલના અંતની શરુઆત થઈ ચુકી છે. પેલેસ્ટાઈના લોકોના લોહીનુ એક એક ટીપુ ઈઝરાયેલને તેની બરબાદીની નજીક લઈ જઈ રહ્યુ છે.
અમેરિકા સામે પણ નિવેદન આપતા કહ્યુ હતુ કે, અમેરિકા ઈઝરાયેલ દ્વારા થઈ રહેલા અપરાધોમાં તેની મદદ કરી રહ્યુ છે. દુનિયાના લોકો પણ અમેરિકા અપરાધોમાં ભાગીદાર હોવાનુ મનાઈ રહ્યા છે.
રઈસે કહ્યુ હતુ કે, ઈઝરાયેલે પોતાના હવાઈ હુમલા રોકવા જોઈએ જેથી કરીને ગાઝામાં રહેતા લોકોને મદદ પહોંચાડી શકાય.
તહેરાનમાં નિકળેલી રેલીનુ સરકારી ટીવી પર પ્રસારણ કરવામાં આવ્યુ હતુ અને તેમાં પેસ્ટાઈન, ઈરાન અને આતંકી સંગઠન હિઝબુલ્લાહના ઝંડાઓ લઈને લોકો જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે ગાઝામાં હોસ્પિટલ પરના હુમલાને લઈને હમાસ અને ઈઝરાયેલ એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે. હમાસનો આરોપ છે કે, આ હુમલો ઈઝરાયેલ દ્વારા કરાયો છે જ્યારે ઈઝરાયેલી સેનાએ કહ્યુ હતુ કે, હમાસના પોતાના રોકેટ મિસફાયર થયા બાદ હોસ્પિટલ પર પડ્યા હતા. સાથે સાથે ઈઝરાયેલે પૂરાવા રૂપે હમાસના નેતાઓ વચ્ચે આ મુદ્દે થયેલી વાતચીતનુ રેકોર્ડિંગ પણ રજૂ કર્યુ હતુ.