સાતમી ઓક્ટોબરે ઇઝરાયલ પર આતંકી સંગઠન હમાસે હુમલો કર્યા બાદથી ઇઝરાયલે ગાઝા પટ્ટી પર સતત હવાઇ હુમલાઓ કરીને વિશ્વના દેશોની ચિંતા વધારી દીધી છે. કેટલાક અરબ દેશો ઇઝરાયલની ટિકા કરી રહ્યા છે પરંતુ પેલેસ્ટિનિયનોને શરણ આપવા માટે તૈયાર નથી. ઇઝરાયલે ઉત્તર ગાઝાના 11 લાખ લોકોને વિસ્તારો ખાલી કરવા માટે કહ્યું છે. ત્યારબાદ હજારો પેલેસ્ટિનિયનો ગાઝામાંથી નિકળવા માટે ઇજિપ્તની સરહદ પર રાફેહ બોર્ડરના ખુલવાની રાહ જોઇ રહ્યા છે. જો કે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફત્તેહ અલ સિસીએ કહ્યું છે કે અમે પેલેસ્ટિનિયનોને પોતાના દેશમાં પ્રવેશ આપવા તૈયાર નથી.
સિસીનુ કહેવુ છે કે ઇઝરાયલનો હેતુ પેલેસ્ટિનિયન લોકોને ઇજિપ્તમાં ઘુસાડવાનો છે, પરંતુ ઇજિપ્ત ઇઝરાયલની ચાલને સફળ થવા દેશે નહીં. કારણ કે આના કારણે સમગ્ર ક્ષેત્રની શાંતિ ભંગ થઇ જશે. બીજી બાજુ વેસ્ટ બેંક સાથે જોડાયેલા જોર્ડને પણ પેલેસ્ટિનિયન લોકોને શરણ આપવાનો ઇન્કાર કરી દીધો છે.
ઉત્તર ગાઝાના જબાલિયામાં ઇઝરાયલના હુમલા, અનેક બાળકો દટાયા
ઇઝરાયેલે ગુરૂવારે ફરીથી હવાઇ હુમલા કર્યા હતા. ઉત્તર ગાઝાના જબલિયામાં રહેતા લોકો અને બાળકો કાટમાળ હેઠળ દટાઇ ગયા હતા. ઇઝરાયલે ગયા સપ્તાહમા જ લોકોને ઉત્તરી વિસ્તારોને ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતુ. ઇઝરાયલે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરમાં પણં બોંબમારો કર્યો હતો.
ઇજિપ્તને ભય, શરણાર્થી લોકો પરત જશે જ નહીં
1948ના યુદ્ધ બાદ સાત લાખથી વધુ પેલેસ્ટિનિયન લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. યુદ્ધ ખતમ થયા બાદ ઇઝરાયલે શરણાર્થીઓને ઘર વાપસીની મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો. ઇજિપ્તને ભય છે કે શરણાર્થી લોકો પરત જશે જ નહીં.
ઇઝરાયલની યોજના પર અરબ દેશોને વિશ્વાસ નથી
ઇઝરાયલનુ કહેવુ છે કે લોકો દક્ષિણમાં જતા રહે, પરંતુ ઇજિપ્તને વિશ્વાસ નથી. અન્ય અરબ દેશોનુ માનવુ છે કે ઇઝરાયલ પેલેસ્ટિનિયન લોકોને દેશની બહાર કરીને હમેંશ માટે ડેમોગ્રાફી બદલવા ઇચ્છુક છે. પેલેસ્ટાઇન દેશની માંગણીને ખતમ કરવાની તેની યોજના છે.
હમાસના લીધે ઇજિપ્તમાં શાંતિની સામે સંકટ સર્જાશે
ઇજિપ્તનું કહેવું છે કે મોટા પાયે વિસ્થાપિત થવાની સ્થિતિમાં હમાસ અને અન્ય આતંકી સંગઠનો તેમની જમીન પર આવી જશે. ઇજિપ્તને ભય છે કે આ સંગઠનો તેમના સિનાઇ રાજ્યની શાંતિ સામે ખતરો બની શકે છે. ઇજિપ્તને પહેલા પણ આતંકી સંગઠન સામે લડવાની ફરજ પડી છે.
ગાઝામાં લોકો એક સમય ભોજન કરે છે, પ્રદૂષિત પાણી પીએ છે
ગાઝામાં 23 લાખથી વધુ લોકો માનવીય સહાયતાને લઇને રાહ જોઇ રહ્યા છે. બીજી બાજુ ઇઝરાયલે ગઇકાલે રાત્રે જ કેટલીક બેકરીને ટાર્ગેટ બનાવીને હુમલા કર્યા હતા. લોકોની સામે ભોજન સંકટ છે. આને ધ્યાનમાં લઇને ગાઝા પટ્ટીમાં રહેતા 23 લાખ લોકોએ એક દિવસમાં એક સમય જ ભોજન કરવાનો નિર્ણય કર્યો છે. લોકોને પ્રદૂષિત પાણી પીવાની ફરજ પડી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની ઇઝરાયલની યાત્રા બાદ દક્ષિણ ગાઝાના કેટલાક શહેરોંમાં કેટલાક કલાકો માટે પાણી મળવા લાગ્યુ છે. પરંતુ ઉત્તર ગાઝામાં હજુ પણ લોકોની સામે પાણીનુ સંકટ છે.