પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયીથવાની ઘટના બની હતી જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે હવે આ મામલે 11 લોકો સામે ગુનો નોંધાયો છે જેમાં GPC કંપનીના 7 ડિરેક્ટર અને ચાર ઈજનેર સામેલ છે.
આ મામલાની તપાસ DySPને સોંપવામાં આવી
બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે નિર્માણધીન ઓવરબ્રિજના સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. આ બે યુવકોના પરિવારો દ્વારા જ્યારે કંપનીના એન્જિનિયરો અને ડાયરેક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે ત્યારે જ મૃતદેહોને સ્વીકારીશું તેવી માંગ કરી હતી ત્યારે હવે GPC કંપનીના 7 ડિરેક્ટર અને ચાર ઈજનેર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ આ મામલાની તપાસ DySPને સોંપવામાં આવી છે.
અગાઉ પણ કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
આ ઘટનામાં બે લોકોનો મોત થતા લોકોનો બ્રિજ બનાવનાર GPC કંપની સામે રોષ ફાટી નીકળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ કંપની વિવાદમાં આવી ચુકી છે. આ પહેલા પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી તેમ છતાં પણ આ કંપનીને ફરી એકવાર બ્રિજ બનવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ પહેલા મનપા અને AUDAએ GPC કંપનીને બ્લેકલિસ્ટ કરી હતી. હવે આ GPC કંપનીના 7 ડિરેક્ટર અને ચાર ઈજનેર સામે ફરિયાદ નોંધાઇ છે તેમજ વિવિધ વિભાગોની તપાસ ચાલુ છે અને જે પણ દોષિત સામે આવશે તેની સામે પણ ફરિયાદ નોંધાશે.