ન ઘરેથી કે ન તો વર્લ્ડ કપમાંથી પાકિસ્તાન માટે કોઈ સારા સમાચાર આવી રહ્યા નથી. પાકિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનમાં ઈંધણની અછત અને આર્થિક સંકટના કારણે પાકિસ્તાની એરલાઈન્સનો બિઝનેસ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. ડૉન ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)બંધ થવાના આરે છે કારણ કે ફંડિંગની સમસ્યાને કારણે છેલ્લા 10 દિવસમાં 300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
પાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન સ્ટેટ ઓઇલ એ બાકી ચૂકવણી ન કરવાને કારણે ઇંધણના પુરવઠામાં ઘટાડો કર્યો છે. જેના કારણે પીઆઈએ 14 ઓક્ટોબરથી 322 ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી, જેમાંથી 134 ઈન્ટરનેશનલ રૂટ પર હતી. પાકિસ્તાનના નેશનલ કેરિઅર ખરાબ રીતે ચાલી રહી હોવાનો આરોપ છે. મંગળવારે PIAએ 21 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સહિત 51 ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી.
ડગમગી રહી છે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા
મોટા પાયે ફ્લાઇટ કેન્સલ થવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના પ્રવક્તાએ ડૉન ન્યૂઝને જણાવ્યું હતું કે મેનેજમેન્ટ વૈકલ્પિક ફ્લાઇટ્સ પર મુસાફરોને સમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. દાયકાઓની ગેરવહીવટ અને અસ્થિરતાએ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ખોરવી નાખી છે અને આ વર્ષે ઈસ્લામાબાદને ડિફોલ્ટ ટાળવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)પાસેથી બીજી બેલઆઉટ લેવાની ફરજ પડી હતી.
PIA પર કેટલું દેવું છે?
વચગાળાની સરકારે કહ્યું છે કે તે સરકારી માલિકીની કંપનીઓ માટે વ્યાપક ખાનગીકરણ યોજનાના ભાગરૂપે એરલાઇનને વેચશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, PIA પર 743 અબજ રૂપિયા (લગભગ $2.5 બિલિયન)નું દેવું છે, જે તેની કુલ સંપત્તિ કરતાં પાંચ ગણું વધારે છે. PIA 1955માં અસ્તિત્વમાં આવી જ્યારે સરકારે ખોટ કરતી વાણિજ્યિક એરલાઇનનું રાષ્ટ્રીયકરણ કર્યું અને 1990ના દાયકા સુધી તેનો ઝડપથી વિકાસ થયો. બજારના ઉદારીકરણ અને કેટલીક ખાનગી અને જાહેર માલિકીની એરલાઈન્સની શરૂઆતથી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ પર ભારે દબાણ આવ્યું, જેના કારણે વર્ષો સુધી નુકસાન થયું.