કેનેડા-ભારત સંબંધોમાં ખટાશના કારણે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ દેશમાં તેમના નિર્ણયો અને નિવેદનોનો ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આમાં કેનેડાની વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના વડા અને વિપક્ષી નેતા પિયર પોઈલિવેરે (Pierre Poilievre) ભારત સાથેના સંબંધો બગાડવા માટે જસ્ટિન ટ્રુડો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમને કહ્યું, ‘જો તેઓ કેનેડાના આગામી વડાપ્રધાન બનશે તો તેઓ ભારત સાથે સંબંધોને નવી રીતે શરુ કરશે.
આ સિવાય તેમને સ્પષ્ટ કહ્યું કે હિંદુઓ અને હિંદુ મંદિરો પર હુમલા કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. તેમનો ઈશારો ખાલિસ્તાનીઓ તરફ હતો, જેઓ દરરોજ કેનેડામાં હિંદુ મંદિરો પર હુમલા કરતા રહે છે. પિયરે પોઈલિવેરે કહ્યું, ‘વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો 8 વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધોની કિંમત નથી.’
નમસ્તે રેડિયો ટોરોન્ટો સાથેની એક ઈન્ટરવ્યૂ દરમિયાન, પોઈલિવરે કહ્યું, ‘અમારે ભારત સરકાર સાથે વ્યાવસાયિક સંબંધો બનાવવાની જરૂર છે. ભારત વિશ્વની સૌથી મોટું લોકતંત્ર છે અને અસંમત થવું અને પોતાના માટે એકબીજાને જવાબદાર ઠેરવવું ઠીક છે. પરંતુ આપણે પ્રોફેશનલ સંબંધ જાળવી રાખવાનો છે અને જ્યારે હું આ દેશનો વડાપ્રધાન બનીશ ત્યારે હું તેને પુનઃસ્થાપિત કરીશ.
જ્યારે તેમને ભારત સરકાર દ્વારા હાંકી કાઢવામાં આવેલા 41 કેનેડિયન રાજદ્વારીઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આ માટે જસ્ટિન ટ્રુડોને જવાબદાર ગણાવ્યા. તેમણે કહ્યું કે કેનેડા હવે ભારત સહિત દુનિયાની લગભગ દરેક મોટી શક્તિઓ સાથે મોટા વિવાદોમાં છે.
તમને જણાવી દઈએ કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની સંસદમાં દાવો કર્યો હતો કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ભારત સરકાર વચ્ચે સંભવિત જોડાણ છે, જેની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ દાવા પછી જ ભારત-કેનેડાના રાજદ્વારી સંબંધો બગડવા લાગ્યા હતા. તાજેતરમાં જ ભારત સરકારના આદેશને પગલે 41 કેનેડિયન રાજદ્વારીઓએ દેશ છોડવો પડ્યો હતો.