26 ઓકટોબર, 2023ના (ગુરૂવાર) રોજ જમ્મુ-કાશ્મીરના અરનિયામાં પાકિસ્તાને LOC પર ફાયરિંગ કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેના તરફથી ગોળીબાર કરવામાં આવ્યો અને મોર્ટાર પણ ફેંકવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારમાં એક નાગરિક સહિત સેનાના એક જવાનને સામાન્ય ઈજા પહોંચવા પામી હતી. બીજી તરફ ભારતીય સીમા સુરક્ષા દળે (BSF) પણ પાકિસ્તાનને ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે.
મળતી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના અરનિયામાં પાકિસ્તાને સવારે 3 વાગ્યા સુધી ફાયરિંગ કર્યું હતું. BSFના અધિકારીક X હેન્ડલ પર આપવામાં આવેલી માહિતી મુજબ સુરક્ષા દળે જણાવ્યું હતું કે, “શુક્રવારે રાત્રે પાકિસ્તાન સેના તરફથી LOC પર વગર કોઈ કારણે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં BSFના જવાનોએ ગોળીબારનો વળતો જવાબ આપ્યો. પાકિસ્તાની સેનાએ અમારી નજીકની ચોકીઓને ટાર્ગેટ બનાવીને ફાયરિંગ વધારી દીધું, ચોકીઓએ પોતાના બચાવમાં વળતો પ્રહાર કરી પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો.”
આ હુમલા વખતે પાકિસ્તાન તરફથી મોર્ટાર પણ છોડવામાં આવ્યા હોવાનું BSFએ જણાવ્યું હતું. સેનાએ જણાવ્યા અનુસાર પાકિસ્તાને છોડેલા કેટલાક મોર્ટાર અરનિયામાં પડ્યા હતા, જેનાથી એક મોર્ટાર સ્થાનિક ઘરમાં પડતા ત્યાં રહેતા એક નાગરિકને સામાન્ય ઈજા પહોંચી હતી. આ હુમલો આખી રાત ચાલ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
BSF Retaliates to Unprovoked Firing by Pak Rangers in Sector Jammu
On the evening of October 26, 2023, at about 2000 hrs, Pakistan Rangers resorted to unprovoked firing along the Indo-Pak International Border in Sector Jammu.
In response, BSF troops immediately retaliated to… pic.twitter.com/va7SlYXKrm
— BSF (@BSF_India) October 27, 2023
BSFના વળતા જવાબથી બોખલાયું પાકિસ્તાન
અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ મામલે એક પાકિસ્તાની અધિકારીનો વિડીયો અને ટેલિફોનિક વાતચીત પણ સામે આવી છે. જેમાં ભારતે આપેલા વળતા જવાબથી પાકિસ્તાની સેના કઈ હદે ગભરાઈ છે તે જાણી શકાય છે. આ ઈનપુટમાં પાકિસ્તાની સેનાનો એક ઉચ્ચ અધિકારી BSFની વળતી કાર્યવાહી જોઇને પોતાની ચોકીઓને સ્પષ્ટરૂપે કહી રહ્યો છે કે તેઓ હવે સચેત રહે. પાકિસ્તાની સેનાના ગભરાયેલા અધિકારીએ પોતાના સહયોગીઓને પણ અનુરોધ કર્યો હતો કે તેઓ મસ્જિદોમાં મૌલવીઓ પાસે લાઉડસ્પીકરોમાં બધાને સાવચેત રહેવાની ઘોષણા આપવા કહે.
નોંધનીય છે કે પાકિસ્તાન આ પ્રકારનું ફાયરિંગ ત્યારે જ કરે છે જ્યારે તે ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી રહ્યું હોય. આ ગોળીબાર તેવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે કાશ્મીરના કુપવાડાના માછીલ સેક્ટરમાં ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના 5 આતંકવાદીઓને ઠાર માર્યા છે. પોલીસ અને સેનાને આ ઘૂસણખોરીની જાણકારી મળતાં જ તેઓ એક્શનમાં આવ્યા હતા. આ ઑપરેશનમાં સેનાએ 5 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાને તેમની પાસેથી ભારે પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.