આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ સરકારી કર્મચારીઓને લઇને એક મોટો નિર્ણય લીધો છે. હવેથી આસામના સરકારી કર્મચારીઓ પત્ની હયાત હોવા છતા બીજા લગ્ન કે નિકાહ કરવા માગતા હોય તો તેવા મામલામાં ફરજિયાત સરકારની અનુમતી લેવી પડશે.
આસામના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આવા સરકારી કર્મચારીનો ધર્મ બીજા નિકાહની છૂટ આપતો હોય તો પણ હવેથી સરકારી કર્મચારીએ ફરજિયાત રાજ્ય સરકારની અનુમતી લેવાની રહેશે.
પર્સનલ લોમાં પણ બીજા નિકાહ કે લગ્નને છૂટ આપવામાં આવી હોય તો પણ રાજ્ય સરકારની અનુમતી ફરજિયાત કરવામાં આવી છે. અનુમતી માટે અરજી કરવામાં આવે તે બાદ તેને મંજૂરી આપવી કે નહીં તે સરકારે નક્કી કરવાનું રહેશે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર સામે અવારનવાર એવા મામલા આવે છે કે જેમાં કોઇ સરકારી કર્મચારીની બે પત્નીઓ હોય છે અને જો આવા કર્મચારીનું મોત થાય તો બાદમાં પેંશન મેળવવા માટે બન્ને પત્નીઓ અરજીઓ કરે છે અને તેને કારણે બન્ને વચ્ચે ઝઘડા પણ થતા હોય છે. આવા કેસોનો નિકાલ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જોકે જ્યારે મુખ્યમંત્રીને પૂછવામાં આવ્યું કે શું આ નિયમ આમ નાગરિકો પર પણ લાગુ કરવામાં આવશે તો તેમણે સ્પષ્ટતા કરી હતી કે હાલ આ નિયમ માત્ર સરકારી કર્મચારીઓ માટે જ લાગુ કરાયો છે. જો કોઇ કર્મચારી આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરાશે સાથે જ તેને નિવૃત્ત પણ કરી દેવામાં આવશે.