સુરતીઓને પીવાના પાણી પુરુ પાડનારા તાપી નદીના કોઝવેના સરોવરમાં પાણીનો કલર ફરી બદલાયો છે. હાલમાં સુરત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે સુરતની તાપી નદીમાં પાણી લીલું થઈ જતાં લોકોમાં દહેશત ફેલાઈ રહી છે. હાલમાં સુરતમાં પીવાના પાણીનો બુમરાણ મચી છે તેની વચ્ચે પાણીનો કલર બદલાતા પાલિકા તંત્રનું ટેન્શન પણ વધ્યું છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી પીવાનું પાણી યોગ્ય આવતું ન હોવાની ફરિયાદ છે. રાંદેર, કતારગામ, વરાછા અને ઉધના ઝોનના અનેક વિસ્તારમાં પીવાનું પાણી વાસ મારતું અને કલરીંગ આવતું હોવાની ફરિયાદ થઈ રહી છે. પાલિકા તંત્ર આ ફરિયાદનો નિકાલ કરી રહી છે પરંતુ તેમાં પૂરી સફળતા મળતી નથી.
તાપી નદીમાં વિયરની સપાટી ઓછી થતાં પાલિકાએ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા માટે પત્ર લખ્યો હતો. જેના કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે વિયરની સપાટીમાં તો વધારો થઈ રહ્યો છે પરંતુ પાણીનો કલર લીલો દેખાઈ રહ્યો છે. તાપી નદીમાં પાણી લીલું દેખાતા લોકોમાં ગભરાટ થઈ રહ્યો છે.