ચીનમાં એક પછી એક ઘણા અધિકારીઓ અને મંત્રીઓ ગાયબ થઈ રહ્યા છે. ચીનના પૂર્વ વિદેશ મંત્રી કિન ગેંગના ગુમ થયા બાદ ચીનના પૂર્વ રક્ષા મંત્રી લી શાંગફુ સહિત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ ગુમ થયા છે. પરંતુ જે સમાચારો સામે આવી રહ્યા છે તે મુજબ ચીને ગેંગને ટોર્ચર કરીને તેમની હત્યા કરી નાખી છે. બ્રિટિશ મીડિયા અનુસાર, ગેંગ ઘણા સમયથી ગુમ હતા અને તેમના ઠેકાણા વિશે કોઈ માહિતી મળી નથી. તેમજ ચીન સરકાર તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
કિન ગેંગ 2014 અને 2018ની વચ્ચે વિદેશી મહાનુભાવો સાથેની જિનપિંગની બેઠકોનો મુખ્ય ભાગ હતા અને તેમની મોટાભાગની વાતચીતની તેમને નજીકથી જાણકારી હતી. પરંતુ વિદેશ મંત્રી બન્યાના છ મહિનામાં જ તેઓ ગાયબ થઈ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે તે અમેરિકા માટે જાસૂસી કરતા હતા. કિન ગેંગના મોતને રહસ્યમય ગણાવવામાં આવી રહ્યું છે. આ મૃત્યુથી ચીનમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.
ગેંગ સામે આંતરીક તપાસ હાથ ધરવામાં આવી હતી
કમ્યુનિસ્ટ પાર્ટીની આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે કિનના એક મહિલા સાથે અનૈતિક સંબંધો હતા અને એક બાળક પણ હતું. આ આરોપો પછી, તેમને જુલાઈ 2023માં તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને વાંગ યીને નવા વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે તેઓ જુલાઈ 2021થી જાન્યુઆરી 2023 સુધી અમેરિકામાં ચીનના રાજદૂત હતા અને ત્યારબાદ તેમને વિદેશ મંત્રાલયની કમાન સોંપવામાં આવી હતી.