વડોદરા શહેરમાંથી રોજે રોજ પેદા થતાં થતા ઘરેલું કચરાનાં નિકાલ માટે ડોર ટુ ડોર ગાર્બેજ વેસ્ટ કલેક્શન સિસ્ટમ કાર્યરત છે, પરંતુ વડોદરા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટીઝ મિશન અંતર્ગત શહેરમાં કચરાના ઓપન સ્પોટના ન્યુસન્સ નાબુદ કરવા રૂ.5.68 કરોડના ખર્ચે સ્માર્ટ અંડરગ્રાઉન્ડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવનાર છે. સ્માર્ટ અન્ડરગ્રાઉન્ડ વેસ્ટ કલેક્શન સિસ્ટમને અમલમાં મૂકનાર વડોદરા, ગુજરાતમાં સુરત બાદ બીજું શહેર બનશે.
કોમર્શીયલ વિસ્તારમાં હાલના કન્ટેનરની જગ્યાએ ક્ષમતા ધરાવતા સ્માર્ટ અન્ડરગ્રાઉન્ડ બીનને તમામ ઝોનમાં વિવિધ કૂલ 40 જગ્યાએ ઈંસ્ટોલેશન કરી અને સ્માર્ટ વેસ્ટ કલેક્શન સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. સ્માર્ટ અંડરગ્રાઉન્ડ વેસ્ટ કલેક્શન સિસ્ટમનું ખાતમુહુર્ત આજે સવારે બરાનપુરા નાકા ખાતે કરવામાં આવ્યું હતું.
સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનના કહેવા મુજબ સ્માર્ટ અંડરગ્રાઉન્ડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ સેન્સર અને સોફ્ટવેરથી સજ્જ છે. જે કન્ટેનરમાં કચરાના સ્તરને ટ્રેક કરે છે, જ્યારે કન્ટેનર તેની મહત્તમ ક્ષમતા સુધી ભરાઈ જશે ત્યારે સિસ્ટમ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરને એલર્ટ મોકલશે. આ નવી પદ્ધતિથી ઓપન/ન્યુસન્સ સ્પોટની નાબૂદી થશે અને કચરાનું વ્યવસ્થિત રીતે કલેક્શન કરી નિકાલ કરશે. રખડતા પ્રાણીઓ દ્વારા કચરા દ્વારા કરાતી ગંદકી બંધ થશે. 3×4 મીટરનું માપ ધરાવતી પ્રિ કાસ્ટ ફાઈબરની બનાવટની સ્માર્ટ ડસ્ટ બિનમાં અંદાજે એક ટન કચરો સમાય શકશે.
જુલાઈ મહિના સુધીમાં હાઇડ્રોલિક અંડરગ્રાઉન્ડ ડસ્ટ બિન મુકવાની કામગીરી પૂર્ણ કરાશે. ડસ્ટ બીન ભરાય એટલે તેમાં મૂકેલા સેન્સરથી જાણકારી મળશે. જે ભરાઈ જતાં તેને ઊંચકવા માટે ગાડી આવશે અને ડસ્ટબિનને ઊંચકીને ગાડીમાં ઠાલવી દે છે. આ પ્રકારનાં ડસ્ટબીનથી રોડ પર ગંદકી અને કચરો દેખાતો નથી. ડસ્ટબિન ભરાતા સેન્સરથી સીધો મેસેજ જે તે ઓફિસમાં પહોંચતા ડસ્ટબિન ખાલી કરવા ગાડી રવાના કરવામાં આવશે. કર્ણાટક બેલગામ દક્ષિણમાં આ પ્રકારના ડસ્ટબિન મુકવામાં આવ્યા છે.