વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ એવા વાઘાવતની મુલાકાત લીધી હતી.
ખેડા જિલ્લાના વાઘાવત ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો. જ્યાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ધારાસભ્ય રાજેશ ઝાલા તેમજ જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગ્રામ વાસીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પ્રતિજ્ઞા લીધી હતી.
મંત્રીશ્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. લાભાર્થીઓ સાથે મંત્રીશ્રીએ સંવાદ સાધી યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વાઘાવત ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીવાળો રથ આજે આવ્યો છે. પ્રધાનમંત્રીશ્રીની ગેરંટી એટલે ૧૦૦% સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની ગેરંટી છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના તમામ લોકોના ઘરના ઘરથી ઘરમાં સગડી સુધીની ચિંતા કરે છે. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ૧૭ જેટલી સરકારી યોજનાઓ લઈને વાઘાવત ગામમાં આવી પહોંચ્યો છે ત્યારે મંત્રીશ્રીએ તમામ ગ્રામવાસીઓને આ રથનો લાભ લેવા વિનંતી કરી હતી.
વધુમાં મંત્રીએ કપડવંજ તાલુકામાં આવેલા જલોયા તળાવમાં નર્મદા નદીના જળ ઉતરી આવ્યા છે. તેમજ ઇરીગેશન વિભાગ દ્વારા આ તળાવના નીર ઓછા પાણીવાળા વિસ્તારો પ્રસરશે તેવો ગ્રામવાસીઓ સમક્ષ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રીએ ઉમેર્યું હતું કે વિશ્વકર્મા યોજના અંતર્ગત આજે શ્રમિકોને કોઈપણ જાતની મુશ્કેલી વગર નાણાંકીય સહાય બેંક મારફતે મળે છે. તેમજ તેમના યંત્રોની સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ૨૦૪૭નો સંકલ્પ છે કે, ભારત ૩૫ ટ્રિલિયન ઇકોનોમીનો દેશ થાય. એ ત્યારે જ શક્ય બનશે જ્યારે નાનામાં નાના ઘર સુધી સરકારી યોજનાઓ પહોંચશે અને દરેક નાગરિકોના હાથમાં રોજગારી હશે.
કાર્યક્રમમાં મંત્રીએ લાભાર્થીઓ સાથે ચર્ચા કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ફિલ્મ ગ્રામવાસીઓ સાથે નિહાળી હતી. કાર્યક્રમ બાદ મંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સ્ટોલ વિઝિટ કરી લાભાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ લાભ આ યાત્રા થકી આપવા તે અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, કલેકટર કે.એલ બચાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, કપડવંજ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, ડી.વાય.એસ.પી. વી.એન. સોલંકી,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ,મંત્રી રાજેશ પટેલ, જિલ્લા કિસાન મોરચા પ્રમુખ ચીમનભાઈ પટેલ, જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ, પૂર્વ એપીએમસી ચેરમેન નિલેશ પટેલ, ભાજપ પ્રભારી રાજેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ગણપત રાઠોડ મહામંત્રી જે. કે. પરમાર, જીતેન્દ્ર પટેલ, પૂર્વ પ્રમુખ કનુભાઈ સોલંકી, મૂળરાજસિંહ સોલંકી, રાજેશ શર્મા તેમજ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.