દેશનાં ત્રણ રાજ્યો એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJPની જીત 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. તાજેતરના એક સર્વેમાં આવા સંકેતો મળ્યા છે. વાત જાણે એમ છે કે, સર્વે દર્શાવે છે કે, કોંગ્રેસ અને ખાસ કરીને નવા વિપક્ષી ગઠબંધન INDIAનું પ્રદર્શન ખાસ રહ્યું નથી.
ભાજપ કેટલી સીટો જીતશે?
સર્વે મુજબ, BJPના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 323 સીટો જીતી શકે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે 308 થી 328 સીટો જીતી શકે છે. જોકે 2019ની સરખામણીમાં NDAની બેઠકોમાં પણ થોડો ઘટાડો થવાનો અંદાજ છે .
કોંગ્રેસની શું સ્થિતિ છે ?
સર્વે મુજબ 2024ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની જીત માત્ર 52 થી 72 સીટો વચ્ચે જ અટકી શકે છે. આ સિવાય INDIAની ગઠબંધન પાર્ટીઓ મળીને 163 સીટો જીતી શકે છે. લગભગ 18 પાર્ટીઓએ મળીને ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન બનાવ્યું છે. આમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરીઓ, જનતા દળ યુનાઇટેડ, શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સહિત ઘણી મોટી પાર્ટીઓ સામેલ છે .
2019ના ચૂંટણીના શું હતા પરિણામો
મહત્વનું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 436 બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાંથી પાર્ટીએ 303 સીટો પર જીત મેળવી હતી. જ્યારે 421 બેઠકો પર ચૂંટણી લડનાર કોંગ્રેસ માત્ર 52 બેઠકો પર જીત મેળવી શકી હતી. ત્યારે NDAએ 350 સીટોનો આંકડો પાર કર્યો હતો અને ભાજપે પોતાના દમ પર બહુમતી હાંસલ કરી હતી.
તાજેતરમાં BJPને મળી છે 3 રાજ્યોમાં મોટી જીત
તાજેતરમાં ભાજપે મધ્યપ્રદેશમાં 230માંથી 163 બેઠકો, રાજસ્થાનની 199 બેઠકોમાંથી 115 અને છત્તીસગઢની 90 બેઠકોમાંથી 54 બેઠકો જીતી છે. ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં પણ છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ભાજપનો ગ્રાફ વધ્યો અને પાર્ટીએ 2 બેઠકો જીતી. દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગાણામાં પણ ભાજપે 8 બેઠકો જીતી છે.