ખેડા જિલ્લામાં નડિયાદ એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૪૫૮૦.૦૭ લાખના ખર્ચે નડિયાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ (એસઆરપી)- ૦૭ ના ૨૮૦ મકાનો અને રૂ. ૭૬૩.૪૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ ડિસ્પેન્સરી, એમ ટી વિભાગ, જીમ્નેશિયમ, શોપિંગ સેન્ટર, કંપની ઓફિસો, તેમજ બેન્ડ ઓફિસ સહિત કુલ રૂ.૫૩૪૩.૪૭ લાખના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ -૦૭ ના ૨૮૦ પોલીસ પરિવારો માટે આ નવું ઘર આપ સર્વે પરિવારો માટે દિવાળી ભેટથી વિશેષ ભેટ બની રહે તેવી શુભકામના પાઠવી. શહેરોના મોંઘા મકાનો કરતા પણ અત્યાધુનિક સુવિધાથી આ મકાનો સજ્જ છે. ગુજરાત સરકારે આ બે બેડરૂમ હોલ, કિચન સહિત ફૂલ્લી ફર્નિચર સાથે આ મકાનો રાજ્ય અનામત દળ માટે બનાવ્યા છે. જેથી આપ સર્વે પોલીસ પરિવારો પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકો અને પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી શકો.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેડા પોલીસની કામગીરીની બિરદાવતા જણાવ્યું કે, સ્વંયસિદ્ધા પ્રોજેક્ટથી આજે અનેક મહિલાઓ ગેરકાનુની ધંધા છોડીને સમાજમાં આજે સન્માન સાથે જીવી રહી છે. આ શક્ય બન્યું છે, ખેડા જિલ્લા પોલીસના સકારાત્મક અભિગમથી. સાથોસાથ ખેડા જિલ્લાને ૧૮-૦૨-૨૦૨૩ના રોજ ૧૩૭ નવા પોલીસ કર્મચારીઓ આપવામાં આવ્યા છે. જેથી જિલ્લામાં શાંતિ, સલામતી, સુરક્ષા જળવાઈ રહી છે. કાર્યક્રમમાં મંત્રીશ્રી એ વૃક્ષારોપણ કરી વધુ ને વધુ વૃક્ષ વાવવા વિનંતિ કરી હતી.
કાર્યક્રમાંના અંતે મંત્રીએ પોતાના હસ્તે પોલીસ જવાનોને તેમના ઘરની ચાવી આપી શુભેચ્છાઓ આપી તેમના કુશળ જીવનની કામના કરી હતી.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના સર્વે ધારાસભ્યઓ નડિયાદ ધારાસભ્ય પંકભાઈ દેસાઈ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, કલેકટર કે.એલ. બચાણી, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલકુમાર વાઘેલા, અધિક પોલીસ મહાનિદેશક નરસિમ્હા કોમાર, ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિ અતુલ કુમાર બંસલ, તેમજ જિલ્લાના અગ્રણીઓ અને ખેડા જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ, રાજ્ય અનામત પોલીસ દળના પોલીસ કર્મીઓ અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.