ખેડા જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ડૉ. આંબેડકર ભવન, નડિયાદ ખાતે કુપોષણ મુક્ત ખેડા જિલ્લો અંતર્ગત કાર્યક્રમ યોજાયો. નોંધનીય છે કે કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ અઢી માસ પહેલા શરૂ થયો હતો. અઢી માસના અંતે જિલ્લાના 150 કુપોષિત બાળકોમાંથી 140 થી વધારે બાળકો અતિ કુપોષણમાંથી બહાર આવ્યા છે અને 127 (85%) બાળકો અતિ કુપોષણમાંથી સામાન્ય કેટેગરીમાં આવ્યા. ઉપરાંત કુલ 59 જોખમી સગર્ભા પૈકી 32 સગર્ભાઓની સુરક્ષિત સંસ્થાકીય પ્રસુતિ કરાવવામાં આવી.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ દ્વારા કુપોષણ ડામવાની કામગીરીથી સકારાત્મક વિશ્વાસ ઉભો થયો છે. આ કાર્યને વધુ પ્રગતિશીલ બનાવવા તેમણે ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને સંકલિત પ્રયાસ કરવા સુચન આપ્યું હતું. ઉપરાંત કુપોષણ નાબુદી માટે આરોગ્ય વિષયક પગલાઓ સાથે સાથે સામાજિક કારણો જેમ કે બાળલગ્ન વગેરને અટકાવવા સામાજિક સ્તરે પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. ઉપરાંત કુપોષણની સાથે ખેડા જિલ્લાને ટીબી મુક્ત ખેડા બનાવવાની દિશામાં પ્રયત્નો શરૂ કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલે કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલ ઉમદા કામગીરી બદલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ પ્રોજેક્ટ અંતર્ગત ફીલ્ડ પર કામગીરી કરનાર આંગડવાડી અને આશા વર્કર બહેનો, દૂધ મંડળીઓ અને દાતાશ્રીઓના સહયોગને વિશેષ બિરદાવ્યો હતો. વધુમાં આગામી સમયમાં ખેડા જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ 500 જેટલા કુપોષણ ગ્રસિત બાળકોને સુપોષણમાં લાવવાની કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. આરસીએચઓ ડો. પઠાણ દ્વારા ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી. આઈસીડીએસ પ્રોગ્રામ ઓફીસર મનીષાબેન બારોટ અને સીડીએચઓ ડો.ધ્રુવે દ્વારા કાર્યકમ અંતર્ગત પ્રાસંગિક ઉદ્બબોધન આપી તમામને આવકારવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈ, મહુધા ધારાસભ્ય, ઠાસરા ધારાસભ્ય, કપડવંજ ધારાસભ્ય, માતર ધારાસભ્ય, મહેમદાવાદ ધારાસભ્ય, જિલ્લા કલેકટર, અમૂલ ડેરી ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા ખેતવાડી અધિકારી, આરોગ્ય અને આઈસીડીએસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પ્રોજક્ટ અંતર્ગત દાતાઓ, વાલીઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.