હિન્દી સિનેજગતના જાણીતા ગીતકાર, કવિ અને પટકથાલેખક જાવેદ અખ્તરે જણાવ્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સામે કોઇને વાંધો ન હોવો જોઇએ. તેમણે મંદિરનિર્માણથી લોકોની ખુશીને ધ્યાનમાં રાખીને કહ્યું કે આ વિશ્વનો સૌથી મોટો ઉત્સવ છે અને તેની ઉજવણી મનાવવામાં કંઇ જ ખોટું નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જ અયોધ્યામાં મંદિરનિર્માણ થઇ રહ્યું હોવાથી આ મુદ્દે હોબાળો કરવાનો કોઇ અર્થ નથી. જાવેદ અખ્તર તાજેતરમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં યોજાયેલા અજંતા ઇલોરા ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે રામમંદિર સાથે જોડાયેલા મુદ્દા પર વાતો કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી જાવેદ અખ્તર રામમંદિરના નિર્માણ સંબંધી નિવેદનોને કારણે લાઇમલાઇટમાં છે તેમણે અગાઉ મનસેના વડા રાજ ઠાકરે દ્વારા આયોજીત દીપોત્સવ કાર્યક્રમમાં કહ્યું હતું કે ભગવાન શ્રીરામ અને સીતાજી માત્ર હિન્દુ દેવી-દેવતા નહીં પણ ભારતનો સાંસ્કૃતિક વારસો છે. મને રામ-સીતાની ભૂમિ પર જન્મ લેવાનો ગર્વ છે. હું નાસ્તિક છુ તેમ છતાં રામ-સીતાને આ દેશની ધરોહર માનું છું અને તેથી જ અહીં આવ્યો છું. રામાયણ આપણો સાંસ્કૃતિક વારસો છે. આપણે જ્યારે મર્યાદા પુરુષોત્તમની વાત કરીએ ત્યારે શ્રીરામ જ ધ્યાનમાં આવે છે.
જાવેદ અખ્તરે તેમના ભાષણ દરમિયાન લોકોને ‘જય સિયારામ’ના નારા લગાવવા પણ કહ્યું હતું. તેમણે લખનઉમાં વીતાવેલા બાળપણના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે બાળપણમાં તેઓ જોતા કે ધનિકો સવારે એકબીજાને મળે ત્યારે ગુડ મોર્નિંગ કહેતા પણ રસ્તે જતા સામાન્ય માણસો ‘જય સિયારામ’ કહીને એકબીજાનું અભિવાદન કરતા. સિયારામ શબ્દ પ્રેમ અને એકતાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં લોકશાહી હિન્દુઓના કારણે બચી છે. જોકે તેમણે સાથોસાથ એમ પણ કહ્યું હતું કે લોકો ઝડપથી અસહિષ્ણુ થઇ રહ્યા છે.