સુનાવણીના પ્રથમ દોરમાં 16 દિવસોમાં 67 કલાક અને ત્રીજા દોરમાં પાંચ દિવસમાં લગભગ 26 કલાક હિંદુ ગ્રંથોના સંદર્ભ તેમજ નકશા સાથે તલસ્પર્શી દલીલ કરીને જજની પેનલને દંગ કરી દીધી
૨૨ જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક દિને ૯૭ વર્ષની વયના કે. પરાસરનને પણ મનોમન સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું ન ભૂલતા, વડાપ્રધાન મોદી તો તેમને જયારે મળે છે ત્યારે જાણે પૂજનીય ગુરુ હોય તેમ આશીર્વાદ લેતા હોય છે. અયોધ્યામાં રામ મંદિરમાં કેસ જીત્યા તેમાં ઘણા સંતો, સ્થપતિઓ અને વ્યક્તિઓનું યોગદાન છે પણ કે. પરાસરનની વિદ્વત્તા અને ભગવાન રામ પ્રત્યેની નિષ્ઠા અસાધારણ પ્રેરણાદાયી કહી શકાય.
અયોધ્યામાં રામ મંદિર જ નિર્માણ પામવું જોઈએ તે ઐતિહાસિક ચુકાદાનાં જશના અગ્રીમ હકદાર પરાસરન મનાય છે. ૯૨ વર્ષની વયે તો નિવૃત્તિ લઇ લીધી જ હોય ને. પણ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાનો કેસ આવ્યો ત્યારે પરાસરને ગડી વાળીને એક પુરાણી સુટકેસમાં તેઓ જ્યારે વકીલાત કરતા હતા તે કાળો કોટ અને પેન્ટ મૂક્યા હતા તે ફરી કાઢયા. ૨૦૧૩- ૨૦૧૪માં યુપીએ સરકાર દરમ્યાન સોલીસીટર જનરલ રહી ચુકેલા તેમના પુત્ર મોહને કુતુહુલવશ પૂછયું કે ‘પિતાજી ૯૦ વર્ષની વયે કોના વકીલ બનવાની તૈયારી કરો છો ?’ પરાસરને કપાળ પર રોજની જેમ તિલક કરતા કહ્યું કે ‘ભગવાન રામનો વકીલ બનવા જઈ રહ્યો છું.’
હિંદુ ધર્મ ગ્રંથો અને પુરાણોના જીવંત જ્ઞાાનકોષ તરીકે ન્યાય શાખામાં તો ૬૦ વર્ષથી તેમની ઓળખ હતી. ખુબ જ ચુસ્ત અને ધાર્મિક પરિવારમાં ઉછરેલ પરાસરનના ડ્રોઈંગ રૂમમાં જ તેમના પિતાજી કેશવ કે જેઓ બ્રિટીશ શાસન વખતના પ્રખર વકીલ મનાતા હતા તે અરસાની ભગવાન રામની હાથમાં ધનુષ પકડેલી મૂત જોઈ શકાય છે. વકીલ પિતા કેશવનું અંગ્રેજી એ હદે ફાંકડું હતું કે બ્રિટીશ જજોને નવા શબ્દ જાણવા મળતા.પિતા વેદિક સ્કોલર પણ હતા. પરાસરનને પિતાનો વારસો મળ્યો તેમ કહી શકાય પણ પરાસરન હંમેશા કહે છે કે ‘મારા પિતા કઈ હદના જ્ઞાાની અને દ્રષ્ટા હતા તેની તમે કલ્પના ન કરી શકો. હું તેમના આત્માને પ્રસન્ન રાખી શકતો હોઉં તો પણ ઘણું’
જો કે એવું કહેવાય છે કે અતિ ઉત્કૃષ્ટ વકીલ હોવા સાથે વેદ – ઉપનિષદ, રામાયણ, ગીતા અને પુરાણોનું જ્ઞાાન ધરાવનાર તેમના જેવું ભારતમાં કોઈ સિદ્ધ નહી હોય. રામ મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સળંગ ચાલીશ દિવસો ચાલેલી દલીલોની આપ લે અને પાંચ જજોની પેનલ દ્વારા પુછાતા પ્રશ્નોના દંગ થઇ જવાય તેવા ઉત્તરો તેમણે જે સંદર્ભ અને તર્ક સાથે આપ્યા હતા તેના કારણે કોર્ટની કાર્યવાહી વિવાદિત ભૂમિ પર રામ મંદિર જ બની શકે તેવા નતીજા તરફ સરકતી ગઈ હતી. રામલલ્લા વિરાજમાન ટ્રસ્ટ તરફથી કેસ લડતા પરાસરને સુનાવણીના પ્રથમ દોરમાં ૧૬ દિવસોમાં ૬૭ કલાક અને ૩૫ મીનીટ તેમજ ત્રીજા તબક્કામાં તમામ પક્ષકારોને ફાળવાયેલ પાંચ પાંચ દિવસમાં તેના ભાગે આવેલ પાંચ દિવસમાં ૨૫ કલાક અને ૫૦ મિનીટ દલીલ કરી હતી. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ગોગોઈએ નમ્રતા બતાવતા તેમેને ખુરસી પર બેસીને દલીલ કરવાની છૂટ આપી હતી પણ કોર્ટનો આભાર માનતા તેમણે કહ્યું હતું કે ‘કોર્ટનો એવો શિરસ્તો રહ્યો છે કે વકીલે તો ઉભા રહીને જ દલીલ કરાય તેથી હું પણ તે જ શિસ્ત પસંદ કરીશ.’
આ તો સુપ્રીમ કોર્ટમાં ફાળવેલ સમયની વાત થઇ પણ જ્યારથી કેસ હાથમાં લીધો હતો તે વર્ષદરમ્યાન તેમનો અનુભવ કામે લગાડીને તેમની ટીમ સાથે રોજના ૧૬ કલાક પુરાવા , ક્યા પ્રશ્નો કે દલીલો સામા પક્ષકારો કરી શકે , જજોની પેનલ કયો પેચીદો વળાંક લાવી શકે તે તમામ પાસાઓની બારીક નોંધ બનાવીને પુરાવાઓ, સંદર્ભો એકત્રિત કરીને તેઓ સજ્જ રહ્યા હતા. એક તબક્કે તેમના પુરાવાઓ અને નકશા જોઇને મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દલીલમાં પાછા પડયા ત્યારે રાત પીળા થઈને ભરી અદાલતમાં નકશો જોવા માટે માંગ્યો અને તેને આવા તો કંઈ પુરાવા હોતા હશે તેમ કહીને નકશો ફાડી નાંખ્યો ત્યારે કોર્ટમાં સોપો પડી ગયો હતો. પરાસરને સહેજ પણ સ્વસ્થતા ગુમાવ્યા વગર જજ સમક્ષ જોઇને કહ્યું કે ‘મારી પાસે બીજા પણ આવા પુરાવા છે.’ પરાસરને એક દલીલ એવી કરી હતી કે ‘આમ જોવા જઈએ તો આ કેસમાં કંઈ દમદાર નથી. ૪૩૩ વર્ષ પહેલા બાબરે જે ભૂલ કરી હતી તેને માત્ર સુધારી જ લેવાની છે.’ એક સુનાવણી દરમ્યાન તેમણે એમ કહ્યું હતું કે ‘મુસલમાનોને તો બંદગી કરવી હોય તો અયોધ્યામાં તે માટે ઘણી બધી મસ્જીદો છે પણ હિંદુઓ માટે તો આ રામની જન્મ ભૂમિ તરીકે આ એક જ સ્થાન છે. જે બદલી શકાય તેમ નથી.’ એક તબક્કે મુસલમાનોના વકીલ રાજીવ ધવને અવાજમાં પાવર બતાવતા જજને કહ્યું કે ‘વન્સ અ મોસ્ક,ઓલ્વેઝ અ મોસ્ક’ (એક વખત મસ્જીદ હતી તે હંમેશા મસ્જીદ જ હોવાની) આની સામે પરાસરન એટલું જ બોલ્યા કે ‘વન્સ અ ટેમ્પલ, ઓલ્વેઝ અ ટેમ્પલ.’ તેમની કેટલીક દલીલ અને પુરાવા તે જ વખતે સહજ રીતે બહાર આવતા હતા. જે કોઈપણ પૂર્વતૈયારી વગરના હતા. અને તે જ નિર્ણાયક પુરવાર થયા હતા.
પરાસરનનું સૌજન્ય જુઓ. ચુકાદો રામ મંદિરની તરફેણમાં આવ્યા પછી રાજીવ ધવન હતાશ થઈને તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા ત્યારે પરાસરન તેમને સાંત્વના આપવા તેમની ચેમ્બર બહાર ૧૫ મિનીટ બેસી રહ્યા કેમ રાજીવ ધવન મહત્વના અંગત ફોન પર વાત કરતા હતા. પરાસરન જેવા લીવીંગ લેજેન્ડ અને જેની કેટલીયે દંત કથા જેવી વાતો સાંભળીને રાજીવ ધવન જેવા મોટા થયેલા દેશના ધુરંધર મનાતા વકીલો પરાસરનની આ હદની નમ્રતા જોઇને ભાવવિભોર થઇ ગયા. હદ તો ત્યારે થઇ જ્યારે પરાસરને રાજીવ ધવનને કહ્યું કે ‘આ ઐતિહાસિક કેસમાં આપણે આપણું શ્રષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આપણે બંન્ને સાથે તસવીર ખેંચાવીએ.’
પરાસરન તેમના જુનિયર્સને હંમેશા કહેતા કે ‘સામસામે કે લડતા વકીલો વચ્ચે ક્યારેય ઊંચા મન કે કડવાશ ન હોવી જોઈએ,’
પરાસરનને માત્ર ૯૨ વર્ષની વયે રામ મંદિર કેસ જીતનાર વકીલ તરીકે જ ન જોતા. કાયદા જગત તેમની ઓળખ ‘પિતામહ’ તરીકે આપે છે. ૧૯૮૩થી ૧૯૮૯ દરમ્યાન કોંગ્રેસના શાસન કાળ દરમ્યાન તેઓ એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા રહ્યા હતા. ૨૦૦૩માં વાજપાઈ સરકારે તેમને પદ્મભૂષણ સન્માનથી નવાજ્યા હતા.વાજપાઈએ બંધારણ સુધારા ડ્રાફ્ટ એન્ડ એડિટર કમિટીની જવાબદારી તેમને સોંપેલી હતી. તે પછી ડો મનમોહન સિંઘની યુ ,પી,એ, સરકારે પરાસરનને પદ્મવિભૂષણ એનાયત કર્યો હતો ૨૦૧૨થી એક ટર્મ માટે રાજ્ય સભાના સાંસદ તરીકે પણ રહ્યા હતા. સ્વ ઇન્દીરા ગાંધીથી માંડી મોદી સુધીની તમામ સરકારોએ તેમને સમાન માન સન્માન આપ્યું. આવું જવલ્લે જ બનતું હોય છે.. ભારત દેશના હિંદુ ધર્મી નાગરિકોને ગૌરવ અને વડાપ્રધાન મોદીને રામ મંદિરનો જશ આપતું પ્રદાન આપનાર પરાસરનને કેસમાં વિજય બાદ વધુ એક જવાબદારી મોદીએ સોંપતા તેમને ૧૫ સભ્યોની બનેલી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં મહંત નૃત્ય ગોપાલ દાસ સાથેની ટીમમાં રામ મંદિરનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી સામેલ કર્યા. તેમની આ ઓફિસનું સરનામું આર -૨૦ , ગ્રેટર કૈલાશ પાર્ટ વન હોઈ પરાસરન ખુશી અનુભવતા કહે છે કે ‘જોગાનુજોગ એડ્રેસમાં આર -૨૦ આવે છે અને આર એટલે રામ ભગવાનની ઓફીસ તેમ સંયોગ રચાયો છે.’
રેકોર્ડ સમયમાં રામ મંદિર લગભગ નિર્માણ પામ્યું એ માટે ૯૩થી વર્તમાનની ૯૬ વર્ષની વયના પરાસરન સરેરાશ રોજના ૧૨ કલાકથી વધુ સમય ઓફિસમાં વિતાવે છે. આમ ૯૦ વર્ષે કેસ હાથમાં લીધો ત્યારથી આજે ૯૬ વર્ષની વાય સુધી તેઓ ઉજાગરા કરીને તેમનો ધ્યેય પાર પાડે છે. પોતે ભગવાન રામ અને કૌટુંબિક વારસાની રીતે વૈન્કટાક્રિષ્નન (પાર્થસારથી)ના પરમ ભક્ત છે. તેમની ૨૫ વર્ષની વયથી રોજ રામ અને કૃષ્ણની કલાકેક પૂજા કરીને કોર્ર્ટમાં જવાનો તેમનો નિત્ય ક્રમ. કોર્ટમાં દલીલ કરવા દરમ્યાન તેઓ જ્યારથી પ્રેક્ટીસ પ્રારંભી ત્યારથી ભગવદ ગીતાના કે વેદ ઉપનિષદના શ્લોક ટાંકીને પણ સામા પક્ષના વકીલ અને જજ ને નૈતિકતા યાદ કરાવતા. તેમની રામ ભક્તિ તો એવી કે પચાસ વર્ષ પહેલા તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘હું હયાત હોઉં તે દરમ્યાન જ રામ મંદિર નિર્માણ પામે તેવી મારી મહેચ્છા છે.’ તેમની પ્રાર્થના અને ભક્તિ ફળી તો એવી રીતે ફળી કે ૯૧થી૯૩ વર્ષની વયે તેઓ રામ મંદિર માટેના વકીલ બન્યા અને તે પછી ટ્રસ્ટમાં તેઓ આજદિન સુધી કાર્યરત છે. કદાચ ભગવાન રામે તેમને પ્રસન્ન થઈને આથી જ નિમિત્ત બનાવી આટલી આવરદા અને સ્વાસ્થ્ય આપ્યું હશે. તેમની યાદશક્તિ આજે પણ એક વખત જોયું હોય તે યાદ રહે તેવી ફોટોમેમરી છે.
પરાસરન જેવા જુદા જુદા ક્ષેત્રોના દિગ્ગજોને લીધે જ તો ભારત સદીઓથી અંગ્રેજો અને તે અગાઉના જુદા જુદા આક્રમણો સામે ટકીને આજે જગદગુરુ બનવા ભણી આગળ ધપી રહ્યું છે. કાર સેવક તરીકે પણ પરાસરન તેમના દિવસો યાદ કરે છે. હવે રામ મંદિરના શિલ્પી બનીને તેનું જીવન તેઆ ર્સાર્થક થયેલું માને છે. પરાસરન શતાયુ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના.