શહેર સ્વયંભૂ સજજડ બંધ: વિહિપ દ્વારા શોભાયાત્રા આતશબાજી યોજાઇ
દેશભરમાં અયોધ્યા રામ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરે મંગલમય વાતાવરણ વચ્ચે લોકોના હદયમાં અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે જાણે ઈષ્ટદેવ રામચંદ્રજીના પ્રાગટ્ય સાથે રામયુગની શરૂઆત થઇ હોય તેવી અનુભૂતિ જોવા મળી રહી છે.
આ અવસરે ગઢડા શહેરના વેપારીઓ સ્વયંભૂ વેપાર રોજગાર બંધ રાખી ભક્તિના રંગે રંગાયા હતા. સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હજારો લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ ગોપીનાથજી દેવ મંદિર અને બી.એ.પી.એસ. મંદિર ખાતે પણ ભવ્ય આતશબાજી, વિરાટ રંગોળી, દીપમાળા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન હિન્દુ મુસ્લિમ સામાજિક સમરસતાના વાતાવરણ વચ્ચે લોકોએ ગોપીનાથજી દેવ મંદિર તરફથી મુકવામાં આવેલા લાઉડસ્પીકરના માધ્યમથી આખો દિવસ રામ ધૂન ભજનોના સંગીતમય વાતાવરણમાં અનન્ય અનુભૂતિ કરી હતી. તેમજ મોટાભાગના લોકોએ ઘરે ઘરે રંગોળી અને દિવડાઓ કરી દિવાળી કરતા સવાયા વાતાવરણમાં ખુશી પ્રગટ કરી હતી. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા માટે જીલ્લા અને સ્થાનિક પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.
ગઢડા સ્વામીનારાયણ મંદિરના સંતોએ અયોધ્યામાં હાજર રહી ખુશી પ્રગટ કરી.
અયોધ્યા મુકામે રામ લલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રાણવાન અવસરે હિન્દુ સંગઠનો તરફથી સાધુ સંતોને આપવામાં આવેલા નિમંત્રણના પગલે અયોધ્યા ધામમાં વડતાલથી આચાર્ય પક્ષના નૃગેન્દ્રપ્રસાદજીમહારાજ , કવીભૈયા, ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના એસ.પી સ્વામી, શાસ્ત્રી ઘનશ્યામવલ્લભદાસજી, પાર્ષદ રમેશભગત, સંજયભગત, કિર્તી ભગત, મૌલિક ભગત વિગેરે અને દેવ પક્ષના હરીજીવનદાસજી (ચેરમેન ગોપીનાથજી દેવ મંદિર ગઢડા), ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા સહિતે ઉપસ્થિત રહી પોતાના જીવનમાં મળેલા ઐતિહાસિક દુર્લભ અવસર માટે ખુશી વ્યક્ત કરી હતી.