આણંદ સેતુ ટ્રસ્ટની સ્કાય ડાઇવિંગ કો- ઓર્ડીનેટર અને ગુજરાતની પ્રથમ મહિલા સ્કાય ડાઇવર શ્વેતા પરમારે ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની આકાશી ઉજવણી કરી સમગ્ર જગતનું ધ્યાન આકર્ષિત કર્યું છે. શ્વેતાએ થાઈલેન્ડ ખાતે 13 હજાર ફૂટની ઉંચાઈએ થી ‘જય શ્રી રામ’ ના ગગનભેદી નાદ સાથે ભગવો રામ ધ્વજ લહેરાવી હિંમતભેર ઉતરાણ કર્યું હતું. વડોદરાની વતની શ્વેતા પરમાર જે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રશેલ થોમસ, શિતલ મહાજન અને દેશની પ્રથમ મહિલા બેઝ જમ્પર અર્ચના સરદાનાની લીગમાં જોડાઈને ભારતની ચોથી મહિલા સ્કાય ડાઇવર બની હતી, તેણે હવે વધુ એક સાહસિક છલાંગ લગાવી છે.શ્વેતાના આ સાહસને ચરોતરવાસીઓએ રોમાંચ અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શ્વેતાએ જણાવ્યું હતું કે “9 જાન્યુઆરીના રોજ આ એક સોલો સ્કાય ડાઇવિંગ ઇવેન્ટ હતી જેના માટે તેણીએ એક મહિના પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તે સ્કાય ડાઇવિંગ ની વધુ તાલીમ લેવા માટે થાઇલેન્ડ પહોંચી હતી”.આ પરાક્રમી ઉડાન થકી તેણીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે સમગ્ર દેશ અને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે,આ ઐતિહાસિક ક્ષણે દેશની દરેક વ્યક્તિ પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે ત્યારે એક સ્કાય ડાઇવર તરીકે, તેણીએ આપણા દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા પ્રત્યે પ્રતિબદ્ધતા તરીકે કૂદવાનું નક્કી કર્યું હતું.તેણીએ ઉમેર્યું હતું કે તેણીએ નવા સ્કાય ડાઇવર માટે સ્કાય ડાઈવિંગ ઈન્ડિયા કેમ્પેઈન (SIC) શરુ કર્યું છે.રસપ્રદ વાત એ છે કે, આ રચનાત્મક પહેલ દ્વારા, તેણીએ દિવ્યાંગ,અનાથ અને સિંગલ પેરેન્ટ્સ વિદ્યાર્થીઓ અને બાળકો માટે કામ કરતી આણંદ સ્થિત એનજીઓ સેતુ ટ્રસ્ટ માટે પણ રૂ.2.40 લાખ એકત્ર કર્યા છે.જેની સ્થાપના પ્રજ્ઞાચક્ષુ સુધા પટેલ દ્વારા કરવામાં આવી હતી, જેઓ 1995 માં ભારતની સૌથી યુવા ચૂંટાયેલી અંધ મહિલા સરપંચ બનવાનું ગૌરવ ધરાવે છે.
આ પ્રસંગે સેતુ ટ્રસ્ટના સ્થાપક સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલે જણાવ્યું હતું કે અયોધ્યામાં પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે શ્વેતાનું સાહસ અને પોતાનું શ્રેષ્ઠત્વ પ્રભુના ચરણોમાં અર્પિત કરવાની વૃતિ એ જે કર્મ-ભકિતયોગ જ છે. શ્વેતા પરમાર ભારતીય દુલ્હનના પોશાકમાં કૂદકો મારનાર પ્રથમ મહિલા સ્કાય ડાઇવર બનવાનું ગૌરવ પણ ધરાવે છે. ગયા વર્ષે ફેબ્રુઆરીથી, તેણે સ્કાય ડાઈવિંગ ઈન્ડિયા કેમ્પેઈન (SIC) દ્વારા અન્ય ભારતીય સ્કાઈ ડાઈવિંગ ઉત્સાહીઓને મદદ કરવાનું શરૂ કર્યું છે.ભારતમાં સ્કાય ડાઇવિંગ સાથે સંકળાયેલ પ્રારંભિક મહિલાઓમાંની એક તરીકે તેણી એક અભિયાન અને ધ્યેય સાથે આ રોમાંચક રમતને વધુ સુલભ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. તે શક્ય તેટલી વધુ વ્યક્તિઓને વિદેશમાં સોલો જમ્પ માટે સ્કાય ડાઇવિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવા માંગે છે. અને આખરે ભારતમાં સમાન સ્તરે સ્કાય ડાઇવિંગ શાળાઓની સ્થાપના કરવા માંગે છે.
આ પ્રસંગે સેતુ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર દેશ શ્રીરામની ભક્તિમાં લીન બની રહ્યો છે. થાઈલેન્ડમાં 13 હાજર ફૂટ ઊંચેથી ‘ “જય શ્રીરામ” ના ભક્તિનાદ સાથે શ્વેતાએ ઉતરાણ કર્યું છે તે સેતુ ટ્રસ્ટ સહીત દેશ, સમાજ અને સૌ ગુજરાતી તેમજ ભારતીયજનો માટે ગૌરવની વાત છે. શ્વેતાએ શરુ કરેલ સ્કાય ડાઈવિંગ ઈન્ડિયા કેમ્પેઈન (SIC) પહેલમાં શરૂઆતમાં સાત વ્યક્તિઓ જોડાયા હતા. ત્યારથી આજ સુધીમાં આ પહેલમાં 28 જેટલા લોકોએ ભાગ લીધો છે, જેમાંથી 21 સોલો સ્કાય ડાઇવર છે જ્યારે તેમાંથી દસ વ્યક્તિએ USPA-A સ્કાય ડાઇવિંગ લાઇસન્સ મેળવ્યું છે.જે પણ અમારા માટે ગૌરવની બાબત છે.
શ્વેતા પરમારના આ સાહસિક કાર્ય માટે સેતુ ટ્રસ્ટના ઉપપ્રમુખ દેવાંગભાઈ જોશી ,ખજાનચી ચિરાગ પટેલ, ટ્રસ્ટી કૌશલ પટેલ,રાખીબેન શાહ,રાધાબેન પટેલ,સુરેશભાઈ વાણિયા,જોઈન્ટ સેક્રેટરી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય,રાહુલ મહેતા,વ્રજ પટેલ, વેદ પટેલ,કલ્પેશભાઈ પટેલ,પરેશભાઈ ડોબરીયા સહીત સર્વે કાર્યકર્તાઓએ અભિનદન પાઠવ્યા હતા.