પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં ભારતીય સેનાના જવાનોએ વિવિધ હથિયારો પ્રદર્શિત કર્યા હતા. ખાસ વાત એ છે કે આ વખતે પરેડમાં આત્મનિર્ભર ભારતના સ્વદેશી બનાવટના આધુનિક હથિયારો પ્રદર્શિત કરાયા, જેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.
T90 ભીષ્મ ભારતની મુખ્ય યુદ્ધ ટેન્ક છે, જે રશિયન T90 ટેન્કનું ભારતીય સંસ્કરણ છે. T90 ભીષ્મ ટેન્કને રશિયા અને ફ્રાન્સની મદદથી ભારતીય વિસ્તાર માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. મોટાભાગના ભીષ્મ ટેન્ક ભારતમાં જ એસેમ્બલ થાય છે. ઉપરાંત બીએમપી-2/2Kનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ હથિયાર રાત્રી લડાઈ સહિત અન્ય ઘણી આધુનિક ક્ષમતાઓથી સજ્જ છે.
નાગ મિસાઈલ કેરિયર
પ્રજાસત્તાક દિન નિમિત્તે નાગ મિસાઈલ કેરિયરનું પણ કર્તવ્ય પથ પર પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ મિસાઈલ કેરિયર ટેન્ક બસ્ટર મિસાઈલ, એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ અને મશીનગનથી સજ્જ છે. નાગ મિસાઈલ કેરિયરમાં 12 માંથી 6 મિસાઇલો લડાઇ માટે તૈયાર રહે છે.
પિનાકા રોકેટ સિસ્ટમ
ભારતમાં નિર્મિત અદ્યતન પ્રકારની પિનાકા રોકેટ સિસ્ટમને પ્રજાસત્તાક દિવસની પરેડમાં કર્તવ્ય પથ પર પ્રદર્શિત કરવામાં આવી હતી. પિનાકા રોકેટ સિસ્ટમ 44 સેકન્ડમાં 12 રોકેટ ફાયર કરવામાં સક્ષમ છે. તેની રેન્જ 90 કિલોમીટર સુધી છે અને તેને વધુ પાવરફુલ બનાવવામાં આવી રહી છે. ઘણા દેશોએ આ હથિયારમાં રસ દાખવ્યો છે.
MRSAM લોન્ચર
કર્તવ્ય પથ પર મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (એમઆરએસએએમ) પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સિસ્ટમ DRDO દ્વારા ઈઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI) સાથે મળીને વિકસાવવામાં આવી છે. આ મિસાઈલ સશસ્ત્ર દળોને મધ્યમ રેન્જમાં વિવિધ હવાઈ જોખમો સામે સંરક્ષણ ક્ષમતા પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે.