સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, પછાત જાતિઓમાં જે લોકો અનામતના હકદાર હતા અને અનામતનો લાભ લઈ ચૂક્યા છે, તેમણે હવે અનામત શ્રેણીમાંથી બહાર નીકળી જવું જોઈએ અને તેમણે અતિ પછાતો માટે માર્ગ મોકળો કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય બેન્ચે મંગળવારે એ કાયદાકીય સવાલની સમીક્ષા શરુ કરી હતી કે શું રાજ્ય સરકારને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીઓમાં અનામત આપવા માટે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાંમાં પેટા-શ્રેણી કરવાનો અધિકાર છે?’
બેન્ચે જણાવ્યું કે, એસસી અને એસટી પોતાની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક સ્થિતિનાં મામલે એક સમાન ન હોઈ શકે. એસસી-એસટી એક નિશ્ચિત ઉદ્દેશ માટે એક વર્ગ ન હોઈ શકે,પણ તેઓ તમામ ઉદ્દેશ માટે એક વર્ગ ન હોઈ શકે.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કહ્યું કે 2004ના સુપ્રીમ કોર્ટના એ ચુકાદાની કાયદેસરતાની સમીક્ષા કરશે, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યોની પાસે અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓને આગળ પેટા-શ્રેણી પાડવાનો અધિકાર નથી.
સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથે પંજાબના એડવોકેટ જનરલ ગુરમિંદર સિંહની દલીલનો સારાંશ આપતા કહ્યું કે, આ જાતિઓને બહાર કેમ નીકળવું જોઈએ? તમારા અનુસાર એક વિશેષ વર્ગમાં કેટલાક પેટાજાતિઓમાં હજુ પણ પછાત છે, તેમને અનામત મળવા દો. એક વાર જ્યારે તમે અનામતનો લાભ પ્રાપ્ત કરી લો છો તો તમારે તેમાંથી બહાર નીકળી જવું જોઈએ. આ જ ઉદ્દેશ્ય છે. જો આ લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય છે તો જે ઉદ્દેશ્ય માટે આ અભ્યાસ કર્યો હતો એ સમાપ્ત થવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વવાળી બંધારણીય બેન્ચમાં બીઆર ગવઇ, વિક્રમનાથ, બેલા એમ ત્રિવેદી, પંકજ મિથલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્મા સામેલ છે.
અનામતમાં એસસી, એસટી પેટા વર્ગીકરણને કેન્દ્ર સરકારને ટેકો
અનામતમાં અનામત મંજૂર કરવા માટે એસસી અને એસટીનાં પેટા વર્ગીકરણને કેન્દ્ર સરકારે સમર્થન કર્યું હતું અને જણાવ્યું હતું કે, તે સેંકડો વર્ષોનાં ભેદભાવનો ભોગ બનેલા લોકોને લાભ આપવા અનામત નીતિ માટે પ્રતિબધ્ધ છે. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો આગળ ધપાવતા ઇવી ચિન્નિઆહ ચૂકાદાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, પેટા વર્ગીકરણ અનામત પાછળનાં વાસ્તવિક હેતુને વધુ આગળ ધપાવને છે. અનામત પાછળ સરકારનો હેતુ સદીઓથી ભેદભાવનો ભોગ બનેલા પછાત વર્ગનાં લોકોને મદદ કરવાનો અને તેમને સમાન તકો પૂરી પાડવાનો છે. ઉલ્લેખનીય છે કે ચિન્નિઆહ જજમેન્ટમાં એવું કહેવાયું હતું કે એસટીનાં પેટા વર્ગીકરણથી બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર)નો ભંગ થશે.
શું આઈએએસ-આઈપીએસના બાળકોને પણ અનામતનો લાભ મળતો રહે?
પંજાબમાં અનુસૂચિત જાતિ વર્ગની અનામતને લઈને 2006માં એક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત વાલ્મીકિ અને ધાર્મિક શીખોને મહાદલિતનો દરજ્જો આપવામાં આવ્યો હતો પરંતુ આ દરજ્જો 2010માં હાઇકોર્ટે ફગાવી દીધો હતો. હવે પંજાબ સરકાર તેના બચાવમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે મહત્વપૂર્ણ ટિપ્પણી કરીને પ્રશ્ન કર્યો કે પછાત જાતિઓના જે લોકોને અનામતનો ફાયદો મળી ચૂક્યો છે, શું તેઓ હવે અનામતના લાભ જતા ન કરી શકે જેથી તેમના જ વર્ગના બીજા લોકોને તેનો ફાયદો મળી શકે ? ખુદ દલિત સમુદાયમાંથી આવનાર જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે, અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગમાંથી કોઈ વ્યક્તિ જો આઈએએસ કે આઈપીએસ બને છે, તો તેમની પાસે સારી સુવિધા હોય છે અને કોઇ અભાવ હોતો નથી. ત્યાર પછી પણ તેમના બાળકો અને પછી બાળકોના પણ બાળકોને અનામત મળે છે. પ્રશ્ન એ છે કે શું આ રીતે અનામત ચાલુ રહેવી જોઈએ?